રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેરઠેર તળાવ-ડેમ નદી-નાળાં છલકાયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. દરમિયાન બે જુદી જુદી ઘટનામાં ચાર વ્યક્તિઓ તણાવાના બનાવો બન્યા છે. જેમાં ધ્રાંગધ્રાના બે તલાટીનો સમાવેશ થાય છે. વણા ગામ પાસે ઇકો કાર પાણીમાં તણાતા તલાટી સહિતના ત્રણ વ્યક્તિઓ પાણીના વહેણમાં તણાયાં હતા જેમને ગ્રામજનોએ દોરડા નાખીને રેસ્ક્યૂ કર્યા હતા.
પાટડી અને દશાડા પણ પાણી પાણી થઈ ગયા છે. દરમિયાન ઝેઝરી પાસે પાણી જોવા ગયેલો એક યુવક તણાયો હતો. યુવકના રેસ્ક્યૂની જાણ થતા જ ધારાસભ્ય નૌશાદ સોલંકી દોડી ગયા હતા અને તેમણે તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો આરોપ કર્યો હતો. તેમના મતે તંત્રની નિષ્ક્રિયતાના કારણે જિલ્લામાં તારાજી સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.