સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રે અકસ્માત (Road accidents)માં ત્રણ યુવકે જીવ ગુમાવ્યો છે. લખતર-વિરમગામ હાઇવે (Lakhtar Viramgam highway) પર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે આઇસર ટ્રક (Eicher Truck) પાછળ બાઇક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. એવી માહિતી મળી છે કે પૂર ઝડપે આવી રહેલું બાઇક આઈશર ટ્રક પાછળ ઘૂસી ગયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય યુવાનનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા.
ત્રણેય યુવાન ખાનગી કંપનીમાં મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ખતર પોલીસે મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે આઇશર ટ્રક સાથે બાઇકની ટક્કર થઈ હતી તેનો નંબર GJ16X- 8146 છે. જે બાઇક આઇશર ટ્રકની પાછળ ઘૂસી ગયું હતું તેનો નંબર GJ20AF 5422 છે. બાઇકની પાછળ "દિવ્યા" લખેલું જોવા મળ્યું હતું.
સુરતમાં આખલો વચ્ચે આવતા અકસ્માત: અકસ્માતનો બીજો બનાવ સુરત જિલ્લામાં થયો છે. ઓલપાડથી વડોલી રોડ પર અકસ્માત થયો છે. આ અકસ્માત રોડ પર રખડતા ઢોરને કારણે થયો છે. જેમાં એક સ્વિફ્ટ કારની ટક્કર રોડ પર રખડી રહેલા આખલા સાથે થઈ હતી. સ્વિફ્ટ કાર સાથે ટક્કર બાદ પાછળ આવતી અન્ય એક કાર સાથે આખલો અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પર પલટી મારી ગઈ હતી. સદનસિબે આ બનાવમાં કોઈ જ જાનહાની થઈ નથી.
વડોદરા ગાય વચ્ચે આવતા રિક્ષા પલટી, મહિલાનું મોત: અકસ્માતનો વધુ એક બનાવ વડોદરા શહેર નજીક બન્યો છે. વડોદરા નજીક આવેલા વાઘોડિયાના અનખોલ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં બેસી એક મહિલા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાય વચ્ચે આવી જતાં રિક્ષા પલટી ગઈ હતી. બનાવમાં મહિલાને ઈજા પહોંચી હતી. રોડ પર પટકાયા બાદ મહિલાના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું, આ ઉપરાંત શરીર પર પણ ઈજા પહોંચી હતી. (તસવીર: સુરત અકસ્માત)