વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરેન્દ્રનગર-રાજકોટ વાયા જુનાગઢ જતી બસમાં આજે બપોરે મુસાફર અને કન્ડક્ટર વચ્ચે બસ ઉભી રાખવાની બાબતને લઈ બબાલ શરૂ થઈ હતી. બસમાં બેઠાલા મુસાફરને જ્યાં ઉતરવું હતું ત્યાં કન્ડક્ટરે બેલ મારી બસ ઉભી ન રખાવતા મુસાફર ગુસ્સે થઈ ગયો અને કન્ડક્ટર સાથે બસમાં જ બબાલ કરી દીધી હતી. આ બબાલમાં મુસાફરે કન્ડક્ટરને કહ્યું 'હું પોલીસ છુ, તું બસ કેમ ન ઉભી રાખે' તેમ કહી કન્ડક્ટરને લાફા ઝીંકી દીધા હતા.
આ ઘટના બાદ સુરેન્દ્રનગરમાં લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, અને કન્ડક્ટર પર પોલીસનો રોફ જમાવી હુમલો કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અચાનક એસટી ડેપોમાં તમામ બસોના પૈડા થંભી ગયા અને દાદાગીરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ બોલાવવામાં આવી હતી. એસટી ડેપોમાં અડધો કલાક સુધી મામલો ગરમાયેલો રહ્યો હતો, જોકે, પોલીસે પહોંચી એસટી કર્મચારીઓને સમજાવાતા મામલો ઠંડો પડ્યો હતો. આ ઘટના બાદ અનેક મુસાફરો થોડા સમય માટે રઝળી પડ્યા હતા. બબાલ જોઈ ક્યારે એસટી બસો ઉપડશે તેની રાહ જોઈ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આવી જ એક ઘટના રાજકોટ શહેરથી સામે આવી હતી, જેમાં રાજકોટના જુના બસ સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં રાજકોટના મહિલા પોલીસ અધિકારીની દાદાગીરી સામે આવી હતી. સોશિયલ મીડિયામાં જે પ્રકારે વિડીયો સાથે મેસેજ પણ વાયરલ થયો હતો કે, રાજકોટ જૂનાગઢ બસના મહિલા કંડક્ટર તેમજ મહિલા પીએસઆઇ ડોડીયા વચ્ચે ગાડી દૂર લેવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનો મામલો ઉગ્ર થતા મહિલા પીએસઆઇ મહિલા કંડકટર સાથે ઝપાઝપી કરી હતી. આ સમયે ત્યાં હાજર એસ.ટી.ના કોઈ કર્મચારીએ સમગ્ર બાબતનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.