સુરેન્દ્રનગર: હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે સરકારની અનેક વિનંતીઓ છતાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing)નું પાલન કરતા નથી. દરરોજ આવા અનેક વીડિયો (Viral video) સામે આવી રહ્યા છે. દુઃખદ વાત તો એ છે કે કોરોનાના નિયમોનો ભંગ થતા હોય તેવા કાર્યક્રમોમાં ખુદ નેતાઓ પણ હાજર રહે છે. ચોટીલાના કૉંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો એક વીડિયો વહેતો થયો છે. જેમાં તેઓ હાથમાં સાંકળ લઈને ધૂણી રહ્યા છે. આ દરમિયાન અહીં કોરોનાની માર્ગદર્શિકાની બિલકુલ પાલન કરવામાં આવ્યું ન હતું.
કુભારા ગામનો વીડિયો: મળતી માહિતી પ્રમાણે ધારાસભ્યએ કુભારા ગામની મુલાકાત લીધી હતી. અહીં યોજાયેલા એક માતાજીના પ્રસંગમાં તેઓ હાથમાં સાંકળ લઈને ધૂણતા નજરે પડ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય ડાકલાના તાલે ધૂણતા નજરે પડે છે. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું જોવા મળ્યું ન હતું. એટલું જ નહીં, અહીં કોઈએ માસ્ક પણ પહેર્યું ન હતું.