અક્ષય જોશી, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ પર આવેલી હોટલના માલિક પાસેથી દર મહિને પાંચ હજાર રૂપિયાની ખંડણી માંગી ૬ શખ્સોએ હોટલમાં આતંક મચાવ્યો હતો. આ સાથે હોટલમાં તોડફોડ કરી માલિક તેમજ તેના પરિવારજનોને માર મારી 18 હજારની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુનેગારો પોલીસના કોઈ પણ ડર વીના મારામારી, ફાયરીંગ, હત્યા અને લૂંટની ઘટનાઓને સતત અંજામ આપી રહ્યા છે. શહેરના રતનપર બાયપાસ પર આવેલ દ્વારકાધીશ હોટલ પર મોડી રાત્રે છ શખ્સો ધસી આવ્યા હતાં અને હોટલના માલિકને 'તારે હોટલ ચલાવવી હોય તો દર મહિને રૂપિયા પાંચ હજાર આપવા પડશે' તેમ કહી ખંડણી માંગવા લાગ્યા હતા.
હોટલ માલિકે ખંડણી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવરાજસિંહ હરપાલસિંહ ડોડીયા, રામદેવસિંહ સુરપાલસિંહ વાઘેલા, પ્રશાંત મિતેશભાઇ શેઠ, અલ્તાફ ઉમરખાન સંધી, હિંમાશુ છગનભાઇ પરમાર અને ધર્મેશ દિનેશભાઇ સતાપરાએ લાકડી ધોકા જેવા હથિયારોથી હોટલમાં તોડફોડ કરવા લાગ્યા હતા. તોડફોડ દરમિયાન હોટલ માલિક, દિકરા-દિકરી અને વેઇટરને ઇજા પહોંચાડી આ લોકો હોટલમાંથી 18 હજારની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતાં.
લૂંટ તેમજ ખંડણી અંગે ભોગ બનનાર હોટલ માલિક ભરતભાઇ જગન્નાથભાઇ રાઠોડે 6 લોકો વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. નોધનીય છે કે, હોટલ માલિકને હોટલ ચાલુ રાખવા માટે ખંડણીની ધમકી આપી લૂંટનો બનાવ બનતા સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.