સુરત : શહેરમાં રવિવારે એક સ્પા સેન્ટર (Spa Center)માં કામ કરતી થાઇલેન્ડની યુવતી (Thailand Girl)નો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. મૃતદેહ એટલો સળગી ગયો હતો કે તેને ઊંચકી શકાય તેવી હાલતમાં પણ ન હતો. આ મામલે અનેક થિયરી સામે આવી રહી છે. એવી આશંકા સેવવામાં આવી રહી છે કે યુવતીની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. યુવતી જે ભાડાના ઘરમાં રહેતી હતી તેનો દરવાજો બહારથી બંધ હતો. આ ઉપરાંત યુવતીએ તેના એક બોયફ્રેન્ડ (Boyfriend)નો નંબર બ્લોક કર્યો હોવાની પણ માહિતી મળી છે. બીજું કે યુવતી જે ગાદલા પર સળગી ગયેલી હાલતમાં પડી હતી તેની બાજુનું ગાદલું જેમનું તેમ પડ્યું છે. આ ઉપરાંત યુવતીને મોડી રાત્રે મળવા માટે તેના ત્રણ બોયફ્રેન્ડ આવ્યા હોવાની વાત પણ સામે આવી છે.
શું છે બનાવ? સુરતના મગદલ્લાના ભૈયા સ્ટ્રીટમાં નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી એક થાઈલેન્ડ યુવતી રહેતી હતી. યુવતી ઇસ્કોન મોલના એક સ્પામાં કામ કરતી હતી. યુવતીની ઉંમર 27 વર્ષ હતી. રવિવારે તેનો મૃતદેહ સળગી હાલતમાં મળી આવ્યો હતો. યુવતી જે ભાડાના મકાનમાં રહેતી હતી તેમાં આગ લાગ્યાનું જાણીને સ્થાનિકો દોડી આવ્યા હતા અને રૂમનું તાળું તોડીને આગ બૂઝાવી હતી. આ મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
યુવતીને મળવા આવેલા ત્રણ લોકો કોણ? એવી માહિતી મળી છે કે મૃતક વનિતાએ તેની બહેનપણીને જમવા માટે બોલાવી હતી. જે બાદમાં તેની બહેનપણી રાત્રે નીકળી ગઈ હતી. જે બાદમાં વનિતાના ઘરે તેના ત્રણ બોયબ્રેન્ડ આવ્યા હોવાની વાત સામે આવી છે. સ્થાનિક લોકો એવું પણ કહે છે કે રાત્રે રૂમમાં ઝઘડો થતો હોય તેવો અવાજ આવી રહ્યો હતો. આ ત્રણેય લોકો એક કારમાં આવ્યા હતા. પોલીસે હવે મોડી રાત્રે આવેલા ત્રણ યુવકો કોણ હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. કદાચ આ યુવકો કોણ હતા તેની માહિતી મળતા જ હત્યાનો ભેદ ઉકેલાઈ શકે છે.
યુવતી શનિવારે ઘરે આવી હતી : મૃતક યુવતીનું નામ વનિતા બુસોર્ન હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે રાત્રે યુવતી સાડા આઠ વાગ્યાની આસપાસ ઘરે આવી હતી. કોઈ રીક્ષા ચાલક તેણીને ઘર સુધી છોડી ગયો હતો. એવી પણ માહિતી મળી છે કે યુવતી જે મકાનમાં ભાડે રહેતી હતી તે બીજાના વ્યક્તિના નામે ભાડા પર નોંધાયેલું છે. આ મામલે પોલીસે હત્યા થયાની આશંકા રાખીને તપાસ શરૂ કરી છે. યુવતી પોતાની પાસે ત્રણ મોબાઇલ ફોન રાખતી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં બે મોબાઇલ આગમાં તેની સાથે જ બળી ગયા છે. યુવતીનો એક મોબાઇલ ફોન મળી આવ્યો નથી.
સુરતમાં અવારનવાર વિદેશી યુવતીઓ ઝડપાતી રહી છે: સુરતમાં અવારનવાર સ્પામાં કામ કરતી વિદેશ યુવતીઓ પકડાતી રહે છે. તેમાંથી ઘણી યુવતીઓ પાસે વર્ક પરમિટ નથી હોતી અથવા પરમિટની મુદત પૂર્ણ થઈ ગયેલી હોય છે. આમ છતાં પોલસ શા માટે કાર્યવાહી નથી કરતો તે પણ મોટો સવાલ છે. જ્યારે પણ આવો બનાવ બને છે ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને સ્પા સેન્ટર્સ પર દરોડા કરવામાં આવે છે. પરંતુ થોડા જ દિવસોમાં બધુ પૂર્વવ્રત ચાલું થઈ જાય છે. આવા લોકોને પકડીને તેમને ડિપોર્ટ કરવામાં આવે તેની જવાબદારી પોલીસની રહેલી છે.
સ્થાનિકોએ આગ બૂઝાવી : પોલીસે આ મામલે જણાવ્યું હતું કે યુવતી તેની બહેનપણી સાથે રહેતી હતી. ગઇકાલે તેની બહેનપણી ભરૂચ ગઈ હતી. આગ લાગી ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. સ્થાનિકોએ તાળું તોડીને આગ બૂઝાવી હતી. એવી પણ માહિતી મળી છે કે યુવતીની લાશ એટલી હદે બળી ગઈ હતી કે તેને ઊંચકી શકાય તેમ પણ ન હતી. આ ઉપરાંત પોસ્ટ તેના શરીરના અંદરના ભાગની તપાસ થઈ શકે તેવી હાલતમાં ન હતી. યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો કે કેમ તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ એફએસએલની ટીમે વિવિધ નમૂના લઇને આ મામલે તમામ કડીઓ જોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે.