કિર્તેશ પટેલ, સુરત: ક્યારે જોયું છે કે કોઈ હિન્દુ મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં ના આવી હોય. સામાન્ય રીતે હિન્દુ મંદિરોમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હોય છે. કેમકે, હિન્દુ મંદિરમાં મોટાભાગે મૂર્તિ પૂજાનું મહત્વ છે પરંતુ સુરતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં રામ નામ લખેલા પુસ્તકોની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે રામ નામ સ્તંભની સ્થાપના કરવામાં આવી છે. સંત તુલસીદાસે કળિયુગમાં રામ નામનો મહિમા ગાયો છે, રામકથાકાર મોરારિબાપુ પણ એમની કથાના અંતિમ સારને રામ નામ જ જણાવે છે. એટલે જ સુરતનાં આ નવનિર્મિત શ્રી રામનામ મંદિરમાં ૧૧૦૦ કરોડ રામ મંત્ર સ્થાપિત કરાશે. હાલ ૯૫૦ કરોડ મંત્ર સ્થાપિત થઈ ચૂક્યા છે.
અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામનામ મંદિરનું નિર્માણ થયુ છે. જેમા ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલી ચોપડીઓ છે. સુરતનું એક એવું રામનામ મંદિર જેમાં મૂર્તિની જગ્યાએ રામ નામ લખેલી પુસ્તકોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ૧૧૦૦ કરોડ રામ મંત્ર સ્થાપિત કરાશે. હાલ અહીં ૯૫૦ કરોડ મંત્ર સ્થાપિત થઈ ચૂક્યા છે.
આ પુસ્તકોની વચ્ચે વિશ્વશાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે. જે ૫૧ ફૂટ ઊંચો છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટએ વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યુ છે. રામ નામ મંદિરના દાતા અને ટ્રસ્ટી ભદ્રેશભાઇ રમણભાઇ પટેલે કહ્યું કે' સુરતમાં આવેલું આ મંદિર વિશ્વશાંતિ હેતુ અર્થે બનાવવામાં આવ્યુ છે. ડિસેમ્બર 12 2017 માં ૧૨૫ કરોડ રામ મંત્ર ના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞનાં શ્રીગણેશ થયા હતા.
તેમણે વધુમાં જણાવ્યુ કે, સુરત, કામરેજ, વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના ૧૫૦ થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રી માં આપી કામ શરૂ કરાયુ હતું. લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો જેથી ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો. લક્ષ્ય વધતુ ગયુ અને ૧૧૦૦ કરોડ સુધી પહોંચી ગયુ. આ બધી મંત્રબુક રાખવા માટે મંદિર નિર્માણનું વિચાર્યું અને વર્ષ ૨૦૨૧માં ગણેશ ચતુર્થીના અવસરે મંદિરનું ખાતમુહૂર્ત થયુ અને તા - ૯-૧૦-૨૦૨૨ ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.
રામ નામ લિખિત બુક્સની એક ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. બધી બુક મંદિરમાં મૂકવામાં આવી છે. હાલમાં આ મંદિરમાં ૯૫૦ કરોડ રામનામ અંકિત બુક સ્થાપિત કરી દેવાઇ છે. 'આ તૈયાર થયેલી બુકને ચાર લેયરમાં બાંધીને મંદિરમાં રાખવામાં આવી છે. જેથી ખરાબના થાય. દોઢ લાખ જેટલા ભક્તો દ્વારા લખાયેલી ત્રણ લાખ જેટલી બુક મંદિરમાં સ્થાપિત છે. ૧૧૦૦ કરોડ પછી પણ આપણે આ યજ્ઞ ચાલુ જ રાખીશું.
શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટના સંચાલક દીપક પ્રજાપતિએ કહ્યું કે, હું પેહલાથી 1994 થી રામ નામ મંત્રની બુક લખતો હતો. 'ભગવાન રામની કૃપા અને પ્રેરણાથી આ મંદિરનું કાર્ય શરૂ કર્યું. શરૂઆતના લક્ષ્યાંક માટેનો ખર્ચ ટ્રસ્ટ દ્વારા થતો પણ પછીની જરૂરિયાતમાં નાના મોટા દાતાઓ આવતા ગયા અને બુક તથા બોલપેન મળતી ગઇ.
૫૧ ફૂટની ઊંચાઈએ રામ સ્તંભ પણ વિવિધ દાતાઓના દાનથી ઊભો થયો છે. જેની ચારેબાજુ રામ નામ લખાયેલુ છે. પંચધાતુનો આ સ્તંભ બનાવવા માટે કેરેલાના કારીગરો આવ્યા હતા. એ અગાઉ લોકો પાસેથી ધાતુ ઉઘરાવવાનું પણ કામ થયુ હતું. 'રામજી મંદિરના પૂજારી પ્રકાશ શુક્લએ કહ્યું કે 'આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામ સ્તંભની પવિત્ર ઊર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડશે. '