સુરતઃ ઓલપાડ અને સુરતને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં પણ બ્રિજનું ઉદઘાટન ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડાયમંડ સિટી અને સિલ્ક સિટીની સાથે સાથે સુરત બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. આવામાં સુરત શહેર ઓલપાડ તાલુકાને જોડતા સરોલી બ્રિજનું કામ 15 દિવસ પહેલા પૂર્ણ થઈ ચૂક્યું છે અને નાગરિકો તેના લોકાર્પણની રાહ જોઈને બેઠા છે. ઉદ્ઘાટન માટે મોટા નેતાઓ ન મળતા જુના બ્રિજ પરથી અવર-જવર કરી રહેલા હજારો લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ આ બ્રિજ નું લોકાર્પણ જલ્દી કરવામાં આવશે એવી બાહેધરી આપી છે, પરંતુ તેઓ પણ બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે કરાશે તે અંગે ચોક્કસ તારીખ જણાવી નથી. સુરત મહાનગરપાલિકા જલદી ઉદ્ઘાટનનો નિર્ણય નહીં લે તો લોકોની માગણીઓ વચ્ચે મંજૂરી વગર જ તેનો ઉપયોગ કરવાનું શરુ કરી દેશે તેવી સ્થિતિ સર્જાઈ છે.