કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં લોકોને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ટીવી સિરિયલોમાં જોવા મળતા ક્રાઇમ સીન જેવી ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં બની છે. જેમાં ડિંડોલીનો એક યુવાન ગુમ થયા બાદ તેની હત્યા કરી તેની લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરીને આ લાશ રેલવે ટેક નજીકના એક ઝૂંપડામાં આઠ થી 10 ફૂટ ખાડામાં દફન કરવામાં આવી હતી. જોકે રેલવે પોલીસે આ મામલે બાતમી મળતા બનાવ સ્થળ પર જઈને તપાસ કરતા યુવાનનો મુતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે FSL મદદથી મૃતદેહ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.
સુરતમાં એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને ભલભલાના રુંવાટા ઉભા થઈ જાય ટીવી સિરિયલની ક્રાઇમ સ્ટોરી જેવી ઘટના સામે આવી છે. આજે રેલવે પોલીસને માહિતી મળી હતી કે, તેમની હદમાં એક યુવાનની હત્યા કરી તેની લાશને સળગાવાનો પ્રયાસ કરી રેલવે ટ્રેક નજીકના એક ઝૂંપડામાં આઠથી દશ ફૂટ જમીનમાં આ લાશ દફનાવવામાં આવી છે. પોલીસને પાકી માહિતી મળતા રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી સ્થળ પર પહોંચ્યા અને આ ઝૂંપડામાં ખોદકામ શરૂ કર્યું હતું.
આઠ ફૂટ ખોદકામ કર્યા બાદ એક યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે તાતકાલિક FSL ટિમને બોલાવી આ મૃતદેહની તપાસ શરૂ કરાવી હતી, ત્યારે ખબર પડી કે, આ મરનાર યુવાન અન્ય કોઈ નહીં પણ ડિંડોલી વિસ્તારમાં તારીખ 22ના રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. બનાવની જાણકારી મળતા તાત્કાલિક આ યુવાનનો પરિવાર પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને યુવાનની ઓળખ કરવાનો પ્રયાસ કરાયો હતો.
તમને જણાવી દઈએ કે, આ યુવાન તારીખ 22મીના રોજ ગુમ થયા બાદ તેના પરિવારે આ યુવાની ગુમ થયાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવાનની હત્યા કરી તેના શરીરના ભાગ છુટા કરી પહેલા સળગાવાનો પ્રયાસ કરાયો હતો, બાદમાં તેને દફનાવવામાં આવી હતી. જોકે પોલીસે આ યુવાનના તમામ શરીરના ભાગો ભેગા કરીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દીધા છે.
હાલમાં આ યુવાન ગુમ થયા તે દિવસનના સીસીટીવી પોલીસે મેળવ્યા છે, જેમાં એક યુવાન મરનાર યુવાનને પોતાની ગાડી પર બસાડીને લઇ જતો દેખાય છે. આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ હોવાની વિગતો સામે આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે રેલવે પોલીસના ઉચ્ચાધિકારી પણ બનાવને લઈને તપાસમાં જોડાયા છે, ત્યારે રેલવે પોલીસ સાથે સુરતની ડિંડોલી પોલીસ પણ આ યુવાનની હત્યા મામલે તપાસ કરી રહી છે.