સુરત : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat rain) છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદને (Gujarat rain) કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે ખાડીઓ પણ ઉભરાઈ ગઈ છે. જેના કારણે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આશરે 1500 જેટલા પરિવારના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે તેમનું જનજીવન ખોરવાઈ ગયું છે. પાણી ભરાવાના કારણે ઠેર ઠેર જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે.
સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી વરસાદનું જોર વધી રહ્યું હોવાથી સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા મીઠી ખાડી વિસ્તારમાં 1200થી વધુ મકાનોમાં દોઢથી બે ફૂટ પાણીનો ભરાવો થયો છે. પાલિકા તંત્રએ સ્થિતિ પર સતત નજર રાખીને બચાવ કામગીરી માટે ટ્રેક્ટર, બોટ તૈનાત કરી દીધી છે. અસરગ્રસ્ત લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે તે માટે ટેન્કરની વ્યવસ્થા કરવા સાથે ફુડ પેકેટનું વિતરણ પણ શરૂ કર્યું છે.