કિર્તેશ પટેલ, સુરત: સામાન્ય રીતે ચોરી, લૂંટ, ધાડ કે હત્યા જેવા ગુનામાં તમે પોલીસના ડોગ સ્પોટ જોયા હશે, પરંતુ હવે સુરત શહેર પોલીસ એનાથી એક ડગલું આગળ વધી છે અને પોલીસે નસીલા પદાર્થો શોધી કાઢવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પામેલા ડોગને મેદાને ઉતાર્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા વર્ષોથી નો ડ્રગ્સની મુહિમ ચલાવવામાં આવે છે. અત્યાર સુધી પોલીસે કરોડો રૂપિયાનું એમડી ડ્રગ, મેથાફેટામાઇન, હેરોઇન, ચરસ અને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની ઝુંબેશ છતાં પણ શહેરમાં ડ્રગ્સ આવી પણ રહ્યું છે અને વેચાઈ પણ રહ્યું છે. પોલીસે હવે ડ્રગ્સની બદીને નાથવા માટે કમર કસી લીધી છે. પોલીસે આ માટે એક ખાસ ડોગ ડ્રેકને મેદાને ઉતાર્યો છે.
પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ડોગ જાહેર સ્થળો, શહેરના પ્રવેશદ્વાર ઉપર પોલીસ વિભાગની સાથે ફરજ ઉપર હાજર રહેશે. જ્યારે કોઈપણ વાહન સુરત શહેરની અંદર પ્રવેશ કરે છે, ત્યારે પોલીસ દ્વારા તે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ ચોરીછુપીથી ડ્રગ્સ પેડલરો ડ્રગ્સને સુરત શહેરમાં લાવવામાં સફળ થતા હોય છે. હવે આ ડોગ ગમે એવી જગ્યા પર સંતાડેલા ડ્રગ્સને શોધી કાઢવામાં પોલીસને મદદરૂપ થશે.
પોલીસે જે આર ડોગને તૈયાર કર્યો છે, તે ડોગ બીગલ બ્રીડનું છે. પોલીસે ખાસ નશીલા પદાર્થો શોધવા માટે આ ડોગને ટ્રેઈન કર્યો છે. આ ડોગની ખાસિયત એ છે કે, નશીલા પદાર્થને તે સ્મેલની સાથે ઝડપથી શોધી કાઢે છે. સુરત શહેર પોલીસમાં કુલ છ જેટલા ડોગ પોલીસની સાથે ગુનેગારોનું પગેરું શોધવા માટે મદદે છે, ત્યારે પાંચ ડોગ પોલીસ સાથે વિવિધ ગુનામાં કામગીરી કરશે અને આ છઠ્ઠો બીગલ ડોગ ડ્રેક નશીલા પદાર્થોને શોધવાની કામગીરીમાં જોડાશે.