કિર્તેશ પટેલ, સરત : સુરતની (Surat) નવી સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં (new civil Hospital) આવેલી કોવિડ હોસ્પિટલના (Covid Hospital) 40 જેટલા સફાઇ કામદારો મોડી રાતે પગાર ન મળવાના મુદ્દે એકાએક કામ છોડીને હૉસ્પિટલ બહાર જ પ્રદર્શન કરવા લાગતા હોબાળો મચી ગયો હતો. કોવિડના વધતા કેસ વચ્ચે આ પ્રદર્શનથી (Protest) તંત્ર દોડતું થઇ ગયું હતું. જોકે મોડીરાતે તંત્ર અને સફાઈ કામદારો વચ્ચે સમાધાન થતા કામદારો કામ પર ફરીથી જોડાઇ ગયા હતા.
સુરતની નવી સિવિલ અને કોવિડ હૉસ્પિટલમાં 500થી વધુ સફાઈ કામદારો સહિતના વર્ગ-4ના કર્મચારીઓ સ્વચ્છતા રાખવાની સાથે સાથે કોરોના પોઝિટિવ દર્દીઓને સ્ટ્રેચર કે વ્હીલચેરમાં જે તે વોર્ડમાં અને બાથરૂમમાં પણ લઇ જાય છે. દર્દીઓને જમવાનું અને સેનિટાઇઝેશન કામગીરી તેમજ વોર્ડમાં કચરા-પોતા પણ કરે છે. એટલે કોરોનાના દર્દીઓની બીમારીમાં સફાઇ રહે તેનું પુરેપુરૂં ધ્યાન રાખે છે.
મંગળવારે મોડી રાત્રે કોવિડ હૉસ્પિટલના 30થી 40 સફાઇ કામદારો અને વર્ગ 4ના કર્મચારીઓ પગારના મુદ્દે કામ છોડીને પ્રદર્શન કરતા હોબાળો મચી ગયો હતો. છેલ્લા લાંબા સમયથી કોવિડ હૉસ્પિટલ કામ કરતા કર્મચારી હડતાલ પર ઉતરી જવા તંત્ર દોડતું થઇ ગયું હતું ત્રણેક કલાક કામદારો કામથી અળગા રહ્યા હતા. આ અંગેની જાણ થતા કોન્ટ્રાક્ટના મેનેજર સહિત ડોક્ટરોને થતા ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.
કર્મચારીઓના કહ્યા પ્રમાણે, તેઓ આ હૉસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી ફરજ પર છે. અમે અહીં કોવિડના દર્દીઓનું ધ્યાન રાખીએ છીએ પરંતુ અમારા ઘરમાં ખાવાના ફાંફા પડી ગયા છે. મોડી રાત્રે સિવિલના આર.એમ.ઓ ડો.કેતન નાયકે વર્ગ-4ના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટના મેનેજર સાથે ટેલિફોનિક વાતચીત કરી. બંનેને સમજાવીને મામલો થાળે પાડતા કર્મચારીઓ ફરજ પર જોડાઇ ગયા હતા. કર્મચારીઓને ત્યાં પગાર પણ આપી દેવાયો હતો.
નોંધનીય છે કે, સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે સમયસર ગ્રાન્ટ મળતી નથી. તેથી આવી સ્થિતિ સર્જાય છે તેવી ચર્ચા છે. જોકે તંત્ર દ્વારા કર્મચારી સમાધાન કરવામાં આવતા અધિકારી અને તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ મહામારી વચ્ચે દર્દી સેવા સાતે સારવાર માં સતત મદદ કરતા કર્મચારીઓની હડતાલને કારણે અધિકારીઓના શ્વાસ એક સમય માટે અધ્ધર થઇ ગયા હતા.