સુરત: સુરતના ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ (Grishma Vekariya Murder case)માં આજે કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા આરોપી ફેનિલને ફાંસીની સજા (Capital punishment) ફટકારી છે. આ કેસને ન્યાયાધીશે રેરેસ્ટ ઑફ રેર (Rarest of rare case) ગણાવ્યો છે. 12મી ફેબ્રુઆરીએ સુરતમાં ફેનિલે ગ્રીષ્મા પટેલની હત્યા કરી નાખી હતી. બાદમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. આ કેસમાં ન્યાયાધીશે સંસ્કૃતના શ્લોકો વાંચ્યા બાદ ચુકાદો સંભળાવ્યો હતો. આ ઉપરાંત આરોપી ફેનિલને ટ્રાયલ સમયે તેણે જે કૃત્ય કર્યું હતું તેના પર કોઈ પસ્તાવો ન હોવાનું કોર્ટે જણાવ્યું હતું. આ કેસની સુનાવણી વખતે કોર્ટે કસાબ (Ajmal Kasab) અને નિર્ભયા કેસ (Nirbhaya Case)નો પણ ઉલ્લેખ કર્યો હતો. સુરતમાં છેલ્લા પાંચ મહિનાનો ઇતિહાસ તપાસીએ તો કુલ ચાર કેસમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
1) ફેનિલ ગોયાણી (હત્યા કેસમાં ફાંસી) : 5, મે 2022 । 12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી નાખી હતી. આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કર્યો હતો. જોકે, અલગ અલગ કારણોથી સજાની સુનાવણી બે વખત ટળી હતી. આખરે આજે કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી છે.
2) હર્ષસહાય રામરાજ ગુર્જર (હત્યા કેસમાં ફાંસી) 7 માર્ચ, 2022 । સુરતમાં 2018ના વર્ષમાં એક 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. છ દિવસ બાદ એક મહિલાની લાશ મળી હતી. કિશોરી પર બળાત્કાર થયો હતો, અને બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી. મહિલાને ગળેફાંસી આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સીસીટીવીની તપાસ બાદ માતા-દીકરીની હત્યા થઈ હોવાનું શોધી કાઢ્યું હતું. આ કેસમાં નરાધમે દીકરીની સામે માતાની હત્યા કરી હતી. બાદમાં કિશોરી સાથે હેવાનિયત આચરી હતી અને તેની પણ હત્યા કરી નાખી હતી. આ કેસમાં હર્ષસહાય રામરાજ ગુર્જરને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. અન્ય એક આરોપી હરિઓમ હીરાલા ગુર્જરને આજીવન કેદ ફટકારવામાં આવી હતી.
3) દિનેશ બૈસાણે (દુષ્કર્મ અને હત્યા કેસમાં ફાંસી) 16 ડિસેમ્બર, 2021 । સુરતના પાંડેસરા વિસ્તરામાં વર્ષ 2020માં એક 10 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી. બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ ઇંટોના ઘા મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી દિનેશને ફાંસીની સજા સંભળાવી હતી. કેસની તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આરોપી વડાપાંઉની લાલચ આપીને બાળકીને ઉઠાવી ગયો હતો. બાદમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને હત્યા કરી નાખી હતી.
4) ગુડ્ડુ યાદવ (બળાત્કારના આરોપીને ફાંસીની સજા) 7 ડિસેમ્બર, 2021 । સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાનો કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. ચોથી નવેમ્બર, 2021ના રોજ બાળકીની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં ફક્ત સાત જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ થઈ હતી. આરોપીને સાતમી ડિસેમ્બરના રોજ દોષી જાહેર કરાયો હતો અને સાતમી ડિસેમ્બરના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.