સુરત : અડાજણ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરા (Gajera Global School) સામે સ્કૂલની એક પૂર્વ શિક્ષિકા (Teacher)એ છેડતીની ફરિયાદ આપી છે. આ મામલે પોલીસે ચુની ગજેરા સામે હાઇકોર્ટ (Gujarat Highcourt)ના આદેશ બાદ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે ચુની ગજેરા (Chuni Gajera) આજે એટલે કે બુધવારે પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે. બીજી તરફ આ કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે. ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્યએ હવે ફરિયાદી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિક્ષિકાએ અગાઉ ટ્રસ્ટ પાસેથી 11 લાખ રૂપિયા પડાવી લીધા છે. એટલું જ નહીં, શિક્ષિકા તરફથી વધુ પાંચ લાખની માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણી ન સંતોષાતા બદનામ કરવાના ઇરાદે ચુની ગજેરા સામે ફરિયાદ આપી છે.
સ્કૂલના આચાર્ય શ્વેતા પરીહાર તરફથી આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓના વાલીઓની અવારનવાર ફરિયાદ બાદ શિક્ષિકાએ સ્કૂલમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદમાં 2019 અને 2020ના વર્ષમાં તેમણે ખોટું દબાણ ઊભું કરીને તેમજ ટ્રસ્ટીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં સ્કૂલના ટ્રસ્ટી પાસેથી 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદમાં વધારે પૈસાની માંગણી ન સંતોષાતા પોલીસ સ્ટેશનોમાં અરજી કરી હતી. ટ્રસ્ટીને બદનામ કરવાના ઇરાદા સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નોંધીય છે કે ઇન્ડોર સ્ટેડિયમ પાસે આદર્શનગરમાં રહેતા ચુની ગજેરા ઉદ્યોગપતિ, સામાજિક અગ્રણી અને અડાજણ ગજેરા ગ્લોબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ સંચાલિત ગજેરા ગ્લોબલ સ્કૂલ અડાજણ ગૌરવપથ ખાતે આવેલી છે. આ જ સ્કૂલમાં ફરિયાદી મહિલા 30 જુલાઇ 2018માં હિન્દી વિષયની શિક્ષિકા તરીકે જોડાયા હતા. શિક્ષિકાના આક્ષેપ પ્રમાણે ચુની ગજેરા તેમને સાંજે ફોન કરતા હતા. બીભત્સ વીડિયો પણ મોકલતા હતા. આ સાથે જ ચુની ગજેરા તેને પટાવવાના અનેક પ્રયાસ કરતા રહેતા હતા. એટલું જ નહીં ચુની ગજેરાએ તેને કતારગામ લક્ષ્મી ડાયમંડ ઓફિસે બોલાવીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાની ફરિયાદ : મહિલાએ પોલીસે મથકમાં જે ફરિયાદ આપી છે તે પ્રમાણે તેણી ટ્યુશન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેણીને બે દીકરા છે, જેમાંથી 25 વર્ષીય પુત્ર મુંબઈમાં નોકરી કરે છે, જ્યારે 19 વર્ષીય દીકરો MBBSનો અભ્યાસ કરે છે. તેણી 30-7-2018થી ગજેરા સ્કૂલમાં હિન્દીની શિક્ષિકા તરીકે જોડાઈ હતી. મહિલાની ફરિયાદમાં લખ્યું છે કે, "ઘણી વખત સવારે મને ઓફિસમાં બોલાવીને ‘કેમ છે? બકા તને કોઇ તકલીફ તો નથીને, તુ ખુશ છે ને અહિંયા’ એમ કહીને આંખથી બીભત્સ ચેનેચાળા કરતા હતા. હું ટૂંકમાં જવાબ આપીને ક્લાસમાં ચાલી જતી."
ઓફિસ બોલાવી છેડતીનો પ્રયાસ કર્યો : "તા.25 ડિસેમ્બર 2018ના રોજ હું આદેશ પ્રમાણે ચુની ગજેરાને મળવા માટે લક્ષ્મી ડાયમંડ ગઇ હતી. ઓફિસમાં ચુનીભાઇ એકલા હતા. તેણે પ્રેમથી આવો બેસો, ચા, કોફી શું પીવી છે કહીને પટાવાળાની કહ્યું હતું કે અડધા કલાક સુધી કોઇને આવવા નહીં દેતા. ત્યારબાદ મને પtછ્યું હતું કે, ‘તને કઇ પૈસાની જરૂર છે, કોઇ તકલીફ તો નથીને’ મેં તેમને ‘ના મને કોઇ તકલીફ નથી’ એમ કહેતા તે ખુરશીમાંથી ઊભા થઇને ચાલ આપણે સોફા પર બેસીને વાત કરીએ એમ કહીને સોફા પર બેસી ગયા હતા. તે વખતે તેમના પેન્ટની ચેઇન ખુલ્લી હતી. ગુપ્તાંગ ઉત્તેજીત હતું, તેમણે કોઇ કામોત્તેજક દવા લીધી હતી. મને પોતાની બાહોપાશમાં લેવા માટે આગળ ધસી આવેલા ત્યારે મેં તેમને રોકવા મારો હાથ ઊંચો કરતાં ત્યારે તેણે કહ્યું હતું કે, અરે ગાંડી તુ આજે આવવાની હતી અને મેં તને બોલાવેલી હતી. આજે મેં નીચે રેઝર કર્યું છે. તેમ કહેતા મેં ધક્કો માર્યો હતો. તેમણે ટેબલના ખાનામાંથી કોઇ દવા લઇને ખાધી હતી. આ બાદ હું ત્યાંથી નિકળીને ઘરે આવી ગઇ હતી.