પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકાવાળા કૉલેજ (Dharukawala College-Surat)માં ફરી એક વખત વિદ્યાર્થીઓ દ્વારા આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદેશન ફી ઘટાડવા માટે કરવામાં આવ્યું હતું. ધારૂકાવાળા કૉલેજના વિદ્યાર્થીઓએ વિરોધના ભાગરૂપે કૉલેજ કેમ્પસ (College Campus)માં અને કેમ્પસની બહાર રોડ પર લોકો પાસેથી ભીખ માંગી હતી. સાથે જ વિદ્યાર્થીઓ (Students)એ આક્ષેપ કર્યો હતો કે સંચાલકો ફી ઘટાડવા નથી માંગતા, આથી અમે એકબીજાની મદદ કરીશું અને ફી ભરીશું.
કોરોના કાળને લઇને અનેક લોકો આર્થિક રીતે પરેશાન થઇ ગયા છે. જેને લઇને વાલીઓની માંગ અને હાલની પરિસ્થિતિ જોઇને સરકાર દ્વારા સ્કૂલોની ફીમાં 25 ટકા ઘટાડાની જાહેરાત કરવાની સાથે આગામી ટર્મ માટે કોઇએ પણ ફી વધારવી નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. જોકે, કૉલેજના વિદ્યાર્થીઓ માટે કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી. જેથી નર્મદ યુનિવર્સિટી ખાતે પણ અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઇ નિર્ણય લેવામાં નહીં આવતા કૉલેજના વિદ્યાર્થીઓ હવે પોતાની કોલેજોમાં રજુઆત કરી રહ્યા છે.
સુરતના કોપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકાવાળા કૉલેજ ખાતે એક સપ્તાહ પહેલા વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટને રજુઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓની ફીમાં ધટાડો કરવામાં આવે. સાથે સાથે જે ફી ભરવાની છે તે હપ્તામાં ભરવાની છૂટ આપવામાં આવે. જોકે, સંચાલકો દ્વારા ફી ભરવામાં નહીં આવે ત્યાં સુધી કોઇના અઅસાઇમેન્ટ સબમીટ નહીં કરવામાં આવે તેવી ધમકી આપતા આખરે વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતર્યા હતા.
વિદ્યાર્થીઓએ આજે એક અનોખી રીતે પોતાનો વિરોધ નોધાવ્યો હતો. સાતે સાથે પોતાના સાથી ગરીબ વિદ્યાર્થીઓની ફી ભેગી કરવા માટે દાન (ભીખ ) ઉધરાવવાની શરૂઆત કરી હતી. એક બાજું વિદ્યાર્થીઓ નારાબાજી કરી રહ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ કૉલેજના ગેટ પાસે અને કેમ્પસમાં લોકો પાસેથી ભીખ વસૂલી રહ્યા હતા. જે રકમ ભેગી થાય તે અન્ય વિદ્યાર્થીઓને કામ લાગી શકે તેવા હેતુ સાથે આ ચળવળ શરૂ કરવામાં આવી છે.