<strong>કિર્તેશ પટેલ, સુરતઃ</strong> સુરતમાં આઈફોન (Surat iPhone)નું વેચાણ ખોટી રીતે કરવામાં આવતું હતું. બે ભેજાબાજો લૂઝ પેકિંગમાં વિદેશથી એપલના આઈફોન મંગાવતા હતા અે પછી આ જ રીતે તેઓ દિલ્હીથી તેના ખોખા પણ મંગાવતા હતા. આ બન્ને વસ્તુઓ ભેગી કરીને તેઓ તેમાં અસલ આઈફોનના બોક્સ જેવા બારકોડ લગાવીને તેને વેચતા હતા. પોલીસે તરકટ કરીને ખોટી રીતે ફોનનું વેચાણ કરનારા બે યુવકોને પકડી પાડ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળ્યા પછી પોલીસે અડાજણ વિસ્તારના ઋષભ ચાર રસ્તા પરના સંગીની મેગ્નેસ કોમ્પ્લેક્સમાં આવેલી 314 નંબરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. મોબીકેર સર્વિસીસ નામની દુકાનમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી.જ્યાંથી પોલીસને એપલ કંપનીના 238 મોબાઈલ ફોન મળ્યા હતા જેની અંદાજીત કિંમત 73,57,000 થાય છે.
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, આઈફોન વેચીને કમાણી કરવા માટે તેના બોક્સ જેવા આબેહુબ બોક્સ તૈયાર કરવામાં આવાતા હતા. આ બોક્સ પર જરુરી વિગતો અને ક્યુઆર કોડ પણ લગાવવામાં આવતો હતો. આ સ્ટીકર સહિતની વિગતો પકડાયેલા લોકો જ લગાવતા હતા, હવે આ કેસની વિગતવાર તપાસ માટે એપલ કંપની સાથે સંપર્ક કર્યા છે. (અજય તોમર, સુરત પોલીસ કમિશનર)