કિર્તેશ પટેલ, સુરત: સુરત શહેરના વરાછા વિસ્તાર (Varachha)માં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે આરોપીને વરાછા પોલીસે (Varachha Police) દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા બંને બાઇકમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી કરતા હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે આરોપીની બાઇકના ચોરખાનામાં રાખેલા દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ બંને આરોપીની ધરપકડ કરીને હાલ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સંતોષીનગર સોસાયટી પાસે જાહેર રોડ પરથી બે ઈસમો પસાર થઈ રહ્યા છે, જે હકીકત મળતા વરાછા પોલીસે વોચ ગોઠવી હતી અને બંને આરોપીઓ આવતાની સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. બંનેને પોલીસ મથકે લાવીને તપાસ કરતા આરોપી દીપક રાજારામ તિવારી અને શુભમ લાલજી તિવારી પાસેથી થેલામાં મૂકેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.