કિર્તેશ પટેલ, સુરત: સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિ.મીનું અંતર હવાઈ માર્ગે 75 મીનીટમાં કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી ૩૫ વર્ષીય મહિલામાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ કનુભાઈ વશરામભાઈ પટેલના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરી પાંચ (Organ Donation) વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક (Hands Donation) ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતમાં હાથનું દાન કરવાની આ બીજી ઘટના છે. અત્યાર સુધી મુંબઇમાં આવાં પાંચ બનાવ બન્યા છે જ્યારે દેશમાં 20 બનાવ બન્યા છે.
ભાવનગરનાં રૂપાવટી ગામનાં વતની અને સ્નેહમુદ્રા સોસાયટી, મોટા વરાછા ખાતે રહેતા કનુભાઈને મંગળવાર 18 જાન્યુઆરીના રોજ સાંજે 6.30 કલાકે લકવાનો હુમલો થતા તેઓને કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ઇન્ટરવેશનલ રેડીઓલોજીસ્ટ ડૉ.જીગર આહયાએ સર્જરી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાએ થોડો સમય લઈ કનુભાઈના પત્ની શારદાબેન સાથે વિચાર વિમર્શ કરી કિડની અને લિવરના દાનની સાથે હાથના દાનની પણ સંમતિ આપતા જણાવ્યું કે અમારા પિતાજી ખુબજ લાગણીશીલ અને સેવાભાવી હતા, તેઓએ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા.