કિર્તેશ પટેલ, સુરત: ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી 20 કિલોમીટર અંતર પર આવેલા ચરણમાળ ઘાટ (Charanmal Ghat) પર માલેગાંવ-સુરત ગુજરાત (Malegaon-Surat ST Bus) રાજ્યની બસ જી.જે.18 ઝેડ 5650 ચરણમાળ ઘાટમાં સવારે 10થી 10:30ની વચ્ચે નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. બસના ડ્રાઈવર લક્ષ્મણસિંહ બલવત રાણાવત અને ઈજાગ્રસ્ત હાલતમાં કંડક્ટર વિલાસ ભાઈજીભાઈ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે નવાપુર સબ-ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘાટ ઉપર પહેલી વખત અકસ્માતની ઘટના નથી. ભૂતકાળમાં પણ અનેક વખત બસના અકસ્માત થઈ ચૂક્યા છે. બે દિવસમાં અકસ્માતની આ બીજી ઘટના છે. બે દિવસ પહેલા આ જગ્યાએ ઘાટમાં પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર અથડાયું હતું.
નવાપુરમાં ST બસ ખીણના કિનારે લટકી : મળતી માહિતી પ્રમાણે ચરણમાળ ઘાટ ખાતે સાપોલીયા વળાંકમાં બસની એક્સલ તૂટી ગયા બાદ બસની બ્રેક ફેઇલ થઈ હતી. જે બાદમાં ત્યારબાદ બસ પથ્થરો પર ચડી ગઈ હતી અને ખીણના કિનારે લટકી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર તમામ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે, બસ લટકી રહેતા લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો.