કિર્તેશ પટેલ, સુરત : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના કારણે નેગેટિવ માહોલ થઈ ગયો છે. તેવામાં કોરોના પોઝીટીવ દર્દીઓમાં હકારાત્મક માહોલ આવે તે માટે સુરતના એક કોવિડ આઈસોલેશન વોર્ડમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. પાંચ વર્ષની દિકરી કૃષ્ણ બની હતી જ્યારે અન્ય દર્દીઓ અને સ્ટાફ કૃષ્ણમય બનીને કાના સાથે ગરબા રમ્યા હતા. કોવિડ કેર સેન્ટરમાં આવા હકારાત્મક માહોલના કારણે દર્દીઓની માનસિક સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાના અલથાણ ભટાર કોમ્યુનીટી હોલમાં મજુરા મિત્ર મંડળ દ્વારા ૧૮૨ બેડનું અટલ આઈસોલેસન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં આવતાં દર્દીઓની માનસિક હાલત સારી રહે તે મટે બર્થ ડે સેલીબ્રેસન અને વિવિધ પ્રકારની ગેઈમ રમાડવામાં આવે છે પરંતુ ગઈકાલે અહીં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાતા દર્દી સાથે સ્ટાફ પણ કૃષ્ણમય બની ગયો છે.
અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં પાંચ વર્ષથની વર્ષા સિંહાં નામની બાળકી સારવાર લઈ રહી છે. પરિવારથી એકલી રહીને સારવાર લઈ રહેલી આ બાળકી માટે કોવિડ કેર સેન્ટરનો સ્ટાફ અને આયોજકો જશોદા માતાની ભુમિકામાં આવીને તેની કાળજી લઈ રહ્યા છે. સુરત સહિત સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો માહોલ છે ત્યારે આ કોવિડ કેર સેન્ટરમાં પણ જન્માષ્ટમી ઉજવવા માટે આયોજન કર્યું હતું. પાંચ વર્ષની આ બાળકીને કૃષ્ણ બનાવવામાં આવી હતી.
આ ઉપરાંત સેન્ટરમાં જ કૃષ્ણ મંદિર બનાવવા સાથે જ્ન્મોત્સવ માટેની તૈયારી પણ કરી હતી. કૃષ્ણ બનેલી વર્ષા સિંહા વચ્ચે ઉભી રહી હતી જ્યારે સ્ટાફ અને દર્દીઓ ગરબા રમ્યા હતા. જે દર્દીઓ રમી ન શકતાં હતા તેવા દર્દીઓ ખુરશી પર બેસીને જન્માષ્ટમીનો માહોલ માણ્યો હતો. આ ઉપરાંત કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવા સાથે કૃષ્ણનું પારણું ઝુલાવવામા આવ્યું હતું અને પ્રસાદ પણ વહેંચવામા આવ્યો હતો. દર્દીઓ તથા સ્ટાફ મોઢે માસ્ક પહેરીને ભગવાન શ્રી કૃષ્ણની પુજા કરવા સાથે જન્મોત્સવની ઉજવણી કરી હતી.
અટલ કોવિડ કેર સેન્ટરના હર્ષ સંઘવીએ જણાવ્યું હતું, કોરોનાગ્રસ્ત દર્દીઓ પરિવારથી દુર હોય અને સતત ભયમાં રહેતાં હોય તેમના માટે સલામત રીતે હળવું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરવૈમાં આવ્યો છે. આવા પ્રકારની પ્રવૃત્તિથી દર્દીના આત્મવિશ્વાસમા વધારો થાય છે અને તેઓ વહેલા કોરોના મુક્ત થઈને ઘર જઈ રહ્યાં છે. અલથાણ કોવિડ કેર સેન્ટરમાં પાંચ વર્ષની બાળકી વર્ષા સિંહા કોરોનાગ્રસ્ત બનીને સારવાર લઈ રહી છે. બાળકી કોરોનાગ્રસ્ત હોવાથી તે પરિવારથી એકલી અહી સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
કોવિડ કેર સેન્ટરમાં સૌથી નાની બાળકી ગભરાઈ ન જાય તેની કાળજી સ્ટાફ લઈ રહ્યો છે. આટલું જ નહીં પરંતુ તેના માટે કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ અને મહિલા સ્ટાફ માતા જશોદાની ભુમિકામાં આવી ગયો છે. વર્ષોની નાનામાં નાની જરૂરિયાત માટે સ્ટાફ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવે છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે વર્ષોને સ્ટાફ દ્વારા સમજાવાવમાં આવી હતી ત્યાર બાદ તેને કૃષ્ણના ડ્રેસમાં તૈયાર કરવામાં આવી હતી. કોરોનાના કારણે મુંઝાતી વર્ષો કૃષ્ણ જન્માષ્ટમીનો માહોલ જોઈને આનંદિત થઈ અને દર્દી તથા સ્ટાફ સાથે ગરબે ઘુમી હતી.