કિર્તેશ પટેલ, સુરતઃ ગૃહ, યુવા રમતગમત અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghvi) ‘આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફોરમ’ (International Children's Forum) અને ‘મોબાઈલ એડિક્શન ક્લિનિક’ના (Mobile Addiction Clinic) સહયોગથી રામ નવમીના શુભ અવસર પર સુરતના (surat) વેસુ મગદલ્લા રોડ ખાતે આવેલા રેનબો ક્લબ રિસોર્ટમાં આયોજિત અનોખી કિડ્સ મેરેથોન ‘રામાથોન’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વિશ્વમાં સૌપ્રથમવાર ગુજરાતના સુરતમાં રામનવમીના પવિત્ર પર્વે 'સર્વ ધર્મ સમભાવ'ને ઉજાગર કરતી ‘રામાથોન’ યોજાઈ હતી, જેમાં ૧૧ વર્ષ સુધીના વિવિધ ધર્મના અંદાજિત ૫૦૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવી પેઢી મહાન ભારતીય સંસ્કૃતિ તરફ દોરાય અને એકતાની ભાવના કેળવે તે હેતુસર યોજાયેલી ‘રામાથોન’ના વિચાર અને આયોજનને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા.
મેરેથોનમાં બાળકો રામ, લક્ષ્મણ અને હનુમાનનો વેશ ધારણ કરીને ૨૦૦ અને ૪૦૦ મીટરની દોડ લગાવી હતી. મેરેથોનમાં બાળકોના માતા-પિતા પણ દોડમાં સહભાગી થયા હતા. બાળકોએ સ્ટેજ પરથી ભગવાન રામના આદર્શ ગુણો અને પ્રેરણાદાયી જીવન પ્રસંગોનું વર્ણન કર્યું હતું. ઉપરાંત, ગ્રાઉન્ડ પર બાળકોએ મનોરંજન પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. મેરેથોનમાં ભાગ લેનાર બાળકોને ટી-શર્ટ, મેડલ, પ્રમાણપત્ર, નાસ્તો અને અનોખી રામાથોનનું પુસ્તક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મોબાઈલ એડિક્શન ક્લિનિકના રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ મેરેથોનનો હેતુ કોરોનાની વિકટ સ્થિતિ બાદ બાળકોમાં નવી ઉર્જા પૂરવા, મોબાઈલ સુધી સીમિત થયેલા બાળકોને ફરી મેદાન સુધી લાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. દેશના ૫૭ શહેરોમાં કાર્યરત ‘યંગ ઈન્ડિયન’ સંસ્થાના સુરત ખાતેના ચેરપર્સન સી.એ. લવકુશ સોમાણીએ જણાવ્યું કે, બાળકોને મનોરંજન અને રસપ્રદ પ્રવૃત્તિઓ સાથે જોડીને ભવિષ્યના સભ્ય નાગરિક બનાવવાનો આ પ્રયાસ છે.