કેતન પટેલ, બારડોલી: પોલીસ જેમ જેમ આધુનિક બની રહી છે તેમ તેમ ઠગો પણ તેનાથી બે ડગલાં આગળ રહેવા માંગતા હોય તેમ છેતરપિંડીની અવનવી તરકીબો શોધતા રહે છે. સુરત જિલ્લામાં પોલીસે (Surat district police) ચાર મહાઠગોની ધરપકડ કરી છે. આ મહાઠગોની વેપારીઓ સાથે છેતરપિંડી (Cheating) કરવાની ટ્રીક જાણીને પોલીસ પણ મોઢામાં આંગળા નાખી ગઈ હતી! સુરત જિલ્લાની કોસંબા પોલીસે (Kosamba Police) વેપારીઓ સાથે ઠગાઈ કરતા ચાર મહાઠગને ઝડપી પડ્યાં છે. ચારેય મહાઠગો પાસેથી પોલીસે પાંચ લાખથી વધુનો મુદામાલ પણ કબજે લીધો છે.
છેલ્લા કેટલાક સમયથી સુરત ગ્રામ્ય વિસ્તાર (Surat rural area)માં વેપારીઓ સાથે ઠગાઈની ઘટના બની રહી હતી. જેને લઈને જિલ્લા પોલીસ આ ઠગોને પકડવા માટે મથામણ કરી રહી હતી. આખરે આ ઠગોને પકડવામાં કોસંબા પોલીસને સફળતા મળી ગઈ છે. પોલીસે ચાર મહાઠગને ઝડપી પાડ્યાં છે. ચારેય પૈકી સિરાજ મુસા સીદાત (Siraj Musa Sidat) મુખ્ય ભેજાબાજ છે. આ સાથે પોલીસે ચેતન ભોકળવા (Chetan Bhokalva), ભરત ચોસલા (Bharat Chosla) તેમજ કિશન ભરવાડ (Kishan Bharvad)ની ધરપકડ કરી છે. આ ત્રણેય લોકો ગેંગના સભ્યો છે.
મોડસ ઓપરેન્ડી: ચારેય મહાઠગ પહેલા તો સોશિયલ મીડિયા (Social Media) પર આવતી ધંધાકીય જાહેરાતો પર નજર રાખતા હતા. બાદમાં ઓનલાઈન અથવા ફોન કરી ઓર્ડર આપી પોતાના વિસ્તારમાં માલ-સમાન મંગાવતા હતા. જ્યારે માલની ડિલિવરી કરવા માટે ટેમ્પો અથવા કોઈ વાહન આવે ત્યારે તેઓ ઘર સુધી ટેમ્પો પહોંચી શકે તેમ નથી અથવા રસ્તો બંધ છે કે કોઈ અન્ય બહાના બતાવી સમાન અન્ય સાધનમાં ટ્રાન્સફર કરી લેતા હતા.
બાદમાં માલ લઈને આવેલા વાહન ચાલકને પૈસા આપવાના બહાને અન્ય સ્થળે લઈ જતા હતા અને તેને હાથતાળી આપી ફરાર થઇ જતા હતા. બીજી તરફ જે વાહનમાં સામાન ટ્રાન્સફર કર્યો હોઈ એ વાહન લઈને પણ પણ ગેંગનો માણસ ગાયબ થઈ જતો હતો. એટલું જ નહીં, જો કોઈ વાહન ચાલક માલ-સામાન આપવામાં આનાકાની કરે અથવા પહેલા પૈસાની માંગણી કરે તો તેની સાથે ઝપાઝપી પણ કરી લેતા હતા. આરોપીઓની આવી મોડલ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ બે ઘડી વિચારવા લાગી હતી.
પોલીસે સતત ચાર દિવસની મેહનત બાદ ચારેય રીઢા મહાઠગને ઝડપી લીધા છે. હાલ ચારેય મહાઠગ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન ચારેય મહાઠગ દ્વારા સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલા અનેક ગુનાની કબૂલાત કરવામાં આવી છે. મુખ્ય ભેજાબાજ સિરાજ સીદાતે અલગ અલગ 10 ગુના, ચેતન ભોકળવાએ 4 ગુના તેમજ કિશન ભરવાડ દ્વારા 1 ગુનાની કબૂલાત કરી છે.