કિર્તેશ પટેલ, સુરત: સુરત શહેરના ભટાર (Bhatar Area) ખાતે આવેલી એક દુકાનમાં મહારાષ્ટ્રથી આવેલા વૃદ્ધે પ્રસાદી ખરીદવાની વાત કરી દુકાનદાર સાથે 80 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થતા દુકાનદારે ખટોદરા પોલીસ (Khatodara police)માં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ બનાવ દુકાનદારના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણેથી એક વૃદ્ધ, એક મહિલા અને ગાડીના ડ્રાઇવર (Car Driver)ની ધરપકડ કરી છે. પકડાયેલા વૃદ્ધ અને મહિલા ગાડી ભાડે રાખી આ પ્રકારની છેતરપિંડી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આ એક ગેંગ હોવાનું પણ સામે આવ્યું છે.
સુરતના ભટાર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં બનેલી છેતરપિંડીની એક ઘટનામાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રની આ ગેંગ ગાડી ભાડે કરીને અલગ-અલગ દુકાનો પર જઈને ડ્રાઇફ્રૂટ લઈ પૈસા ન આપી છેતરપિંડી કરતા હતા. સુરતના ખટોદરા વિસ્તારમાં વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સોસાયટી ખાતે ડ્રાયફ્રૂટ બજાર નામે ડ્રાઇફ્રૂટની દુકાનમાં મહારાષ્ટ્રના થાણેથી આવેલા વયોવૃદ્ધ એક મહિલા સાથે આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ જલારામ મંડળ વીરપુરના વડા તરીકે આપી હતી. પોતાની હેડ ઓફિસ મહારાષ્ટ્ર થાણે વેસ્ટ ખાતે આવેલી હોવાનું જણાવ્યું હતું.
તેમણે પ્રસાદ રૂપે આપવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રૂટની જરૂર હોવાની વાત કરી 66 કિલો કાજુ કિંમત રૂ 49,310 તથા 42 કિલોગ્રામ બદામ કિંમત રૂપિયા 28,673 તથા 1 કિલોગ્રામ અખરોટ કિંમત રૂ. 1100 મળીને કુલ રૂપિયા 79,083ના ડ્રાયફ્રૂટ ખરીદ્યા હતા. આ દરમિયાન તેમણે કોમ્પ્યુટરાઈઝ્ડ બિલ બનાવવાનું કહ્યું હતું. વેપારીએ વિગત પૂછતા તેમણે જલારામ મંડળના નામે બીલ બનાવવાનું કહ્યું હતું. આ ઉપરાંત પોતે ખરીદેલો સામાન પોતાની ટેક્સી પાર્સિંગની ગાડીમાં મૂકવા માટે જણાવ્યું હતું.
પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ વૃદ્ધે લખાવેલો મોબાઇલ નંબર અને ગાડીના નંબર પરથી તપાસ કરી હતી. આ કેસમાં પોલીસે વૃદ્ધ, મહિલા અને ગાડીના ડ્રાઈવરની મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરી છે. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તમામની પૂછપરછમાં એવી વિગત સામે આવી છે કે આ લોકો આ પ્રકારની છેતરપિંડી કરીને પૈસા ચૂકવતા ન હતા. આ પ્રકારની છેતરપિંડી કરવા માટે તેઓ ગાડી ભાડે કરીને જતા હતા. પોલીસ હાલ આ ગેંગે ભૂતકાળમાં આવી જ રીતે કેટલા લોકોને ચૂનો લગાડ્યો છે તેની તપાસ કરી રહી છે.