રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે વરસાદનું જોર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વિતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. આ તરફ હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની પણ સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.