સુરત: ગુજરાતમાં (Gujarat monsoon 2022) બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ સુરતના (rainfall in south Gujarat) કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ડાંગ,વલસાડ, તાપી, સુરતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 25થી 26 જૂને વરસાદનું જોર વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 25 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, જૂન મહિનામાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, જૂન મહિનો પૂર્ણ થવાને હજુ 8 દિવસ બાકી છે. હવામાન વિભાગના મતે આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ વરસે છે.
હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે સુરત જિલ્લાના કામરેજ તાલુકા બે કલાકમાં 3.44 ઇંચ વરસાદ ખાબકતા કામરેજ પંથકમાં પાણીની રેલમછેલ થઇ હતી. અન્ય તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં ચોમાસુ ધીરેધીરે રંગત જમાવી રહ્યુ છે. જેમાં આજે બુધવારે ચાર વાગ્યાથી તો આકાશ એકાચાર થવાની સાથે હમણાં જ ધોધમાર વરસ્યો હતો. સુરત શહેરમાં વરસાદનું ટીપુ પણ પડયુ ના હતુ. આ વરસાદ કામરેજમાં તૂટી પડયો હતો. કામરેજ તાલુકામાં બપોરે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના બે કલાકમાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. આ બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદી પાણી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા તંત્ર દોડતુ થયુ હતુ. આ બે કલાક કામરેજ તાલુકો જાણે કટ ઓફ થઇ ગયો હોઇ તેવા વરસાદ વરસ્યો હતો. બે કલાક પછી વરસાદ ધીમો પડયો હતો. આ સિવાય બપોરે ચારથી છના બે કલાકમાં પલસાણામાં દોઢ ઇંચ, વરસાદ નોંધાયો હતો.
બુધવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધરમપુર શહેર, આસુરા, બીલપુડી, બરુમાળ, બામટી બારોલિયાના ગામડામાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંકક પ્રસરી છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. ડાંગમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વઘઈ , આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે.
હવામાન વિભાગના મતે સુરત, વલસાડ,નવસારી ,તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર્ના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે અત્યાર સુધી 3 ઈંચની આસપાસ વરસાદ નોંધાવવો જોઈએ પરંતુ અત્યાર સુધી સરેરાશ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.