સુરત : સુરત મહાનગરપાલિકામાં (Gujarat Municipal Election Result)ફરી એક વખત ભગવો લહેરાયો છે. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપે 93 બેઠકો પર જીત મેળવી ફરી સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે અને તે એકપણ બેઠક જીતી શક્યું નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીને લોટરી લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો જીતવા સફળ રહ્યું છે. સુરતમાં આમ આપ પાર્ટીના પ્રદર્શને બધાને ચોંકાવી દીધા છે. સુરતમાં કૉંગ્રેસના સૂપડાં સાફ થતા કૉંગી કાર્યકરો વિફર્યા હતા. કૉંગી કાર્યકરોએ કાર્યલાયની બહાર શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખના પૂતળાં બાળ્યા હતા.
'આ લોકોએ કૉંગ્રેસને વેચી નાખી' એવા આક્ષેપો કરતા પેટ્રોલ છાંટીને કૉંગ્રેસના કાર્યકરોએ બાબુ રાયકા, કાદીર પીરજાદા અને તુષાર ચૌધરીના પૂતળાં બાળ્યા હતા. કાર્યકરોએ આ નેતાઓની તસવીરો પણ તોડી હતી. એક તરફ કોંગ્રેસનું ખાતું પણ ના ખુલતા સૂપડાં સાફ થયા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ નવો વિકલ્પ આપ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીના ચોંકાવનારા પ્રદર્શન પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉત્સાહિત છે. કેજરીવાલ 26મી તારીખે સવારમાં સુરતમાં રોડ શો કરશે.