હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 26 જૂને વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે ત્યારે આજે સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં બારડોલી, પલસાણા, ઉમરપાડા, મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે.
નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામાં બપોર બાદ ભારે પવન ફૂંકાતા ખેરગામ ચાર રસ્તા ખાતે કુંભારવાડા વિસ્તારમાં વીજ પોલ અને ઝાડ પડી ગયા છે. વીજ પોલ અને ઝાડ મુખ્ય રસ્તા પર પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. ત્યાં જમીનદોસ્ત થયેલા વીજ પોલના સમારકામ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે.