ગુજરાત પર મેઘરાજા જાણે ક્રોધિત થયા હોય તેમ સતત વરસાદ પડી રહ્યો છે. ત્યાં જ દક્ષિણ ગુજરાતમાં તો સતત વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. બીજી તરફ ધોધમાર વરસાદે સુરત જિલ્લાની સુરત બગાડી નાખી છે. બારડોલીમાં પણ મુશળધાર મેઘાએ મુશ્કેલી સર્જી છે. બારડોલીની મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ સર્જાઇ છે.
તમને જણાવી દઇએ કે, સુરતમાં ગતરાત્રિ દરમ્યાન બારડોલીમાં ભારે વરસાદને પગલે સ્થિતિ બગડી ગઇ હતી. બારડોલી નગરમાંથી પ્રસાર થતી મીંઢોળા નદીમાં પુર જેવી સ્થિતિનું સર્જન થયુ હતું. બારડોલી નગરનાં કોર્ટ સામે તેમજ તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદીનાં પાણી ભરાયા હતા. જેના કારણે કોર્ટ સામે ખાડામાં પાણી ભરાતા 100 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ સતત આગળ વધી છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં કેન્દ્રીત થયું છે. આ તરફ કચ્છ સરહદે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. એ જ કારણ છે કે રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે હજુ બે દિવસ ગુજરાતને ધમરોળશે.