Surat: ચૈત્રિ નવરાત્રીને લઈને માતાજીના મંદિરોમાં અલગ અલગ પ્રકારની ખાસ આરતી નો મહિમા હોય છે . જેનો લ્હાવો લેવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ત્યારે સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા રાજરાજેશ્વરી શ્રી સપ્તશૃંગી દેવીના મંદિરમાં ખાસ મશાલ આરતીનું અનેરું મહત્વ છે. આ મંદિરમાં માતાજીની આરતી ઘી ના દિવા થી નહીં પરંતુ સુતરાઉ કાપડ થી બનાવવામાં આવેલી ખાસ ગોળાકાર મશાલ દ્વારા કરવામાં આવે છે.
મંદિરના પૂજારી લડડુ મહારાજે જણાવ્યું હતું કે, માતાજીનું પ્રાગટય સિંદૂરમાંથી થયું હોવાને કારણે તેમને દરરોજ સિંદૂર ચઢાવવામાં આવે છે અને તેની પ્રકૃતિ ગરમ હોવાથી માતાજીને ઠંડક આપવા માટે એટલે કે શાંત કરવા માટે ચંદન અને સુખડનો લાડુ માથા પર ચઢાવવામાં આવે છે અને તે સમયે ખાસ આ મશાલ આરતી કરવામાં આવે છે. મશાલ માત્ર સુતરાઉ કાપડથી બનાવવામાં આવે છે .
25 મીટર કાપડનો ઉપયોગ કરી એક મશાલ બનાવવામાં આવે છે. મળસકે 5:30 વાગ્યે , સવારે 9 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે એમ ત્રણ વાર 5 મિનિટ મશાલ આરતી કરવામાં આવે છે.આ ખાસ મશાલ બનાવવા માટે 2 - 2:15 મીટરના 11 સુતરાઉ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરરોજ તેનો ઉપયોગ થતો હોવા છતાં 15 થી 17 દિવસ મશાલ સળગે છે. મશાલને પ્રજવલિત કરવા માટે ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે છે .