સુરત : સુરતમાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. સરકાર તરફથી લૉકડાઉન નહીં કરાય તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા બાદ વેપારીઓએ જાતે જ લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. સુરતની ત્રણ મોટી માર્કેટ જેમાં વરાછાની બૉમ્બે માર્કેટ, અને હીરા બજાર તેમજ ચોક્સી બજારના વેપારીઓના એસોસિએશનને પ્રજા હિતમાં અને સ્વાસ્થ્ય સલામતીને જોતા મોટા નિર્ણયો કર્યા છે.
900 માર્કેટ ધરાવતી વરાછાની બોમ્બે માર્કેટ આગામી 31મી જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની સ્થિતિ રાજ્યમાં સૌથી વધુ ગંભીર છે. એક બાજુ ઇન્જેક્શનની કાળા બજારી બીજી બાજુ કોરોનાના કેસનો રાફડો તો ત્રીજી બાજુ બેકારી આ તમામ મોરચે લડી રહેલી પ્રજાએ જાણે જાતે જ પોતાની સુરક્ષા કરવાનું નક્કી કરી લીધું હોય તેવો માહોલ છે.
દરમિયાન સુરતની હીરા બજાર અને ચોક્સી બજારને પણ હવે એક સપ્તાહને બદલે આ આખો મહિનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતની હીરા બજાર અને ચોક્સી બજારના એસોસિએશન દ્વારા કોરોનાના વધતા જતા કેસને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ બજારમાં મોટી સંખ્યામાં સેફ ડિપોઝિટના ખાનગી વૉલ્ટ આવેલા છે તે સપ્તાહમાં બે વાર ખુલશે. હીરાના અને ચોક્સી બજારના વેપારીઓ માટેના આ વૉલ્ટ સોમવારે અને શુક્રવારે નિયત સમય માટે એક કલાક માટે ખુલશે.
દરમિયાન સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે રવિવારે સાંજે વધુ 295 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 203 જયારે ગ્રામીણ વિસ્તારમાં 92 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 9996 પર પહોંચી છે, જયારે આજે 10 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 426 પર પહોંચ્યો છે, તેવામાં આજે 276 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
સુરતમાં કુલ દર્દી સંખ્યા 9996 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 10 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 426 થયો છે. જેમાંથી 57 મૃત્યુ જિલ્લાના છે અને 369 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 198 જ્યારે જિલ્લામાં આજે 78 દર્દીને રજા આપતા, કુલ 276 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 6391 જેમાં ગ્રામીણ વિસ્તારના 954 દર્દી છે.