કિર્તેશ પટેલ, સુરત: સુરતની સિવિલ હૉસ્પિટલ કોઈને કોઈ વાતે વિવાદમાં રહે છે. આ વખતે કોઈ અલગ જ મુદ્દાને લઈને હૉસ્પિટલ વિવાદમાં આવી છે. હકીકતમાં સુરત સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાંથી જ સાત પોટલી દેશી દારૂ મળી આવતા હાહાકાર મચી ગયો છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ દારૂની પોટલી કેવી રીતે કેમ્પસ સુધી પહોંચી તેની તપાસ કરવામાં આવી છે. આમ તો સુરતમાં ઠેર ઠેર સરળતાથી દેશી અને વિદેશી દારૂ મળી રહે છે. જોકે, સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં દારૂ મળી આવતા ખૂબ ચર્ચા જાગી છે.
લાકડા કાપનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવતા તેણે દારૂ મળી આવ્યા ત્યાં એક સ્કૂટર ચાલક હોવાનું જણાવ્યું હતું. દારૂ મળી આવવાની ઘટના બાદ ખુદ પોલીસ અને હૉસ્પિટલનું તંત્ર ચોંકી ઉઠ્યું હતું. પોલીસ હાલ એવી તપાસ કરી રહી છે કે શું સિવિલમાં જ નશાનો કારોબાર ચાલી રહ્યો છે કે શું? હાલ લાકડા કાપનારના વર્ણનને આધારે પોલીસે સ્કૂટર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે જ્યાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે તે ગ્રાઉન્ડનું ઉદ્ધાટન બીજેપીના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તરફથી કરવામાં આવ્યું હતું. હાલ તો પોલીસે આ મામલે તપાસ આદરી છે પરંતુ સિવિલમાં દારૂ કોણ લાવ્યું હતું? શું અહીંથી જ દારૂનો કારોબાર થઈ રહ્યો છે કે શું? આ સવાલોના જવાબની લોકોને રાહ રહેશે.