કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાની મહામારી (surat Coronavirus) વચ્ચે લોકડાઉનની (Lockdown)ની અફવાને લઈને સુરતમાં રહેતા શ્રમિકો (Labours) જે પર પ્રાંતના હોવાને લઇને વતન તરફ હિજરત કરી રહ્યાની અફવા શહેરમાં જોરશોરથી ચાલી રહી છે. ત્યારે શહેરમાંથી દરોજ 10થી12 બસ ભરીને શ્રમિકો વતન તરફ નીકળી રહ્યા છે. ત્યારે આ વાતની જાણકારી મળતાની સાથે જે તે વિસ્તારનાં નગરસેવકો તાત્કાલિક શ્રમિકોને સમજાવવા પહોંચ્યા હતા. ત્યારે શ્રમિક પરિવારનાં સભ્યો સાથે ધરવખરી લઈને યુપી-બિહાર તરફ જઈ રહ્યા છે પણ લોકડાઉનને લઈને નહીં પરંતુ વતનમાં પ્રસંગ અને આવનારા હોળીના તહેવારોને લઈને જતા હોવાનું સામે આવ્યુ છે.
કોરોનાનો ભય હવે સમગ્ર સુરત શહેરમાં ફેલાઈ ગયો છે જે રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે ત્યારે સુરત માં મોટા પ્રમાણ માં પ્રવાસી શ્રમિકો રહે છે અને ભૂતકાળમાં લોકડાઉનને લઈને હેરાન થવાનો વારો આવ્યો હતો ત્યારે સુરતમાં છેલ્લા 20 દિવસમાં જે રીતે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેના કારણે લોકડાઉન કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
રાત્રે કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ડાયમંડ અને ટેકસટાઇલ માર્કેટ અને શોપિંગ મોલો શનિવારે અને રવિવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં સ્થિતિને ગંભીર બતાવી રહી છે ત્યારે પરપ્રાંતિય લોકોને લાગે છે કે, સરકાર એકાએક લોકડાઉન જાહેર કરી શકે છે અને તેવા સમયમાં રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાય શકે છે.
ત્યારે હાલમાં કોરોનાને લઇને જે નવા નિયો આવી રહ્યા છે જેને લઈને ગમે ત્યારે લોકડાઉન લાગશે તેવી અફવાના કારણે સુરતનાં પ્રવાસી શ્રમિકોનાં વિસ્તારોમાં લોકડાઉન લાગી જશે એવી વાતો વહેતી થતાંની સાથે જ સુરતના ડીંડોલી, ગોડાદરા, ઉધના, પાંડેસરા વિસ્તારમાંથી લોકો બસ દ્વારા પોતાના માદરે વતન જવા માટે ઉમટી પડ્યા છે.
દરોજ 10થી12 બસમાં શ્રમિકો પરપ્રાંતિયો તેમના પરિવારના સભ્યો સાથે ધરવખરી લઈને યુપી-બિહાર તરફ જવાનું ધીરે-ધીરે શરૂ કર્યું છે.જોકે આ વાત વાયુ વેગે બહાર આવતા આ વિસ્તારમાં પર પ્રાંતીય લોકોની હિજરત અટકાવવા માટે પાંડેસરા વિસ્તારના નગરસેવકો તાત્કાલિક દોડી જઈને લોકોને આગામી દિવસોમાં કોઈ લોકડાઉન નથી લાગવાનું તેવું સમજાવીને શ્રમિકોની હિજરત અટકાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
જોકે બીજી બાજુ શહેરભરમાં લોકડાઉનને લઇને સાંસદ સી.આર.પાટીલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોઈએ ડરવાની જરૂર નથી, સરકાર લોકડાઉનની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ નથી. જોકે સી.આર.પાટીલે કરેલી અપીલ બાદ પણ પરપ્રાંતિયો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ત્યારે શ્રમિકો આગામી દિવસઃ માં પોતાના વતન અને સંબંધીમાં પ્રસંગ હોવા સાથે હોળીનો તહેવાર આવતો હોવાથી પોતાના વતન તરફ નીકળ્યા છે.