પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરત સહિત દેશભરમાં ધીમે ધીમે છુટછાટો સાથે ઉદ્યોગો ધમધમતા થઈ રહ્યા છે. આ ઉદ્યોગોમાં સુરત બહાર ઉપરાંત અન્ય પ્રાંતમાંથી મોટી સખ્યામાં શ્રમિકો સુરત આવી રહ્યા છે. હાલ સુરતના કોરોનાનું (coronavirus) સંક્રમણ કાબુમાં છે. આવા સમયે ફરીથી કોરોનાનું સંક્રમણ વધુ ન થાય તેમજ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને નિયત્રિત કરવાં માટે બહારથી સુરતમાં પ્રવેશ (surat entry) કરતા લોકો માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરના પ્રવેશદ્વાર કામરેજ વિસ્તારના વાલક ચાર રસ્તા તેમજ પલસાણા ભાટિયા ચાર રસ્તા પર કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
આ સેન્ટર ઉપર રોજના ૮૦૦થી ૯૦૦ લોકોની પૂછપરછ કરી ક્યાંથી આવે છે અને સુરતના કયા વિસ્તારમાં જઈ રહ્યા છે તેમજ કેટલા દિવસ સુરતમાં રોકાવવાના છે તેવી તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.વાલક પાટીયા ખાતે ફરજ પર હાજર ડો. વિશાલ પટેલે જણાવ્યું કે, જે પણ લોકો સુરત બહારથી આવે છે તેમના અહી ચેકીંગ કરીને જરૂરી જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. રીપોર્ટ મુજબ યોગ્ય સલાહ સૂચનો આપી હોમ કોરન્ટાઇન કરવામાં આવે છે.
ત્યારબાદ તેમને આગળની સલાહ સૂચનો આપી સુરતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. યોગેન્દ્ર નિશાદ જણાવે છે કે, સુરત અમારી કર્મભૂમિ છે લોકડાઉન થતા અમે અમારા વતન ગયા હતા. હાલ પરિસ્થિતિ સારી થતા ઉદ્યોગ ધંધા ચાલુ થયા છે અને રોજગારી માટે પાછા સૂરત આવ્યા છીએ. સરકાર દ્વારા સ્વાસ્થ્યની જે કાળજી લેવામાં આવી રહી છે તે બદલ તેમણે સરકારનો આભાર માન્યો હતો.