પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતનો આહિર સમાજનો પરિવાર પાવગઢ માતાજીના દર્શને જવા નીકળ્યો હતો, તે સમયે વડોદરા ખાતે ગમખ્વાર અકસ્માતમાં એક જ સમાજના અને કુંટુંબના 11 લોકોના મોતના સમાચારથી આહિર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું, ત્યારે આહિર સમાજ દ્વારા સુરત ખાતે 11 સદગતના લોકોના બેસણાનું આયોજન કર્યું હતું. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના અન્ય નેતાઓ સહિત ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
આ અકસ્માતમાં આહિર સમાજના 11 લોકોના કરૂણ મોત થયા હતા. આ સમાચાર બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક નેતાઓએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. આજે સુરતમાં આહિર સમાજ દ્વારા યોજવામાં આવેસા સદગતના બેસણામાં મૃતકોને શ્રદ્ધાજલિ પાઠવવા માટે સુરત મેયર સહિત બાજપના અગ્રણીઓ તથા વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા હતા. અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ બેસણામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દુખદ પ્રસંગ પર પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ ખુબ જ દુખદ ઘટના હતી. આહીર સમાજની સાથે હું પણ પરિવારને દુખ બાટવા આવ્યો છું.
ઉલ્લેખનીય છે કે, સુરતનો આ પરિવાર માતાજીના દર્શન કરવા માટે ગતરોજ પરિવાર અને કુટુંબના લોકો સાથે પાવાગઢ ખાતે જવા નીકળ્યા હતા અને વહેલી સવારે 3 વાગે આઇસર પેમ્પોનો અકસ્માત થતા કુટુંબના 11 લોકો સાથે એકજ પરિવારના 5 લોકોના મુત્યુને લઈને સુરતની જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં શોક ફેલાઈ જવા પામ્યો હતો. જોકે પરિવાર નીકળતા પહેલા સોસાયટીના લોકોને ફરવા જવા સાથે જયશ્રી કૃષ્ણ કહીને નીકળ્યા હતા અને સવાર પડતા તેમના મોતના સમાચાર આવ્યા હતા.
આમ તો આ પરિવાર દિવાળી કુટુંબના લોકો સાથે વતન ખાતે ઉજાણી કરતા હોય છે પણ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે વેપાર ઉધોગ બંધ રહેતા અને ડાયમંડ ઉધોગમાં માત્ર પાંચ દિવસનું વેકેશન હોવાને લઇને પોતાની ગાડી લઇને દર્શન કરવા જવાનું નક્કી કર્યું બાદ રાત્રે અચાનક વિચાર બદલ્યો ટેમ્પો ભાડે કરી આ પરિવાર સુરતથી નીકળ્યો હતો.
જોકે સુરતના પુના ઘામ આશાનગર ખાતે રહેતા જીજાલા પરિવારના સભ્ય સોસાયટીના લોકોને જતા પહેલા પોતે ફરવા જવાના હોવાથી મકાનનું ધ્યાન રાખવાનું કહીને અને જયશ્રી કૃષ્ણ કહીને નીકળ્યા હતા. જીંઝાલા પરિવારના લોકો ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. જોકે તેમની સાથે તેમના કુટુંબના અન્ય ચાર પરિવાર મળીને કુલ 27 કરતા વધુ લોકો સાથે હતા. પરિવારના ચાર બાળકો ગામડેથી સુરત દિવાળી કરવા માટે આવ્યા હતા.
મંગળવારે સવારે કામરેજ હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારબાદ રાત્રે ડાકોર, વડતાલ અને પાવાગઢ જવાનું હોવાથી રસોઈ બનાવી લઈ તમામ તૈયારીઓ કરી લીધી હતી હરેશભાઈ જીંજાલા અને બટુકભાઈ જીંજાલા સુરતમાં રહેતા હતા. જ્યારે અન્ય ત્રણ ભાઈ વતન રાજુલામાં રહેતા હતા. હરેશભાઈ સહિત પરિવારના તમામ સભ્યોનો સ્વભાવ ખૂબ જ સારો હતો. છેલ્લા 20થી વધુ વર્ષથી અહીં રહે છે. સોસાયટીના તમામ સભ્યો સાથે પરિવારની જેમ જ રહેતો હતો. હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ રત્નકલાકાર હતો અને તેની સગાઈ થઈ ગઈ હતી. દિવાળી બાદ અટલે કે આ વર્ષે જ તેના લગ્ન થવાના હતા.
જોકે રત્નકલાકર તરીકે આ પરિવાર મહિને એક લાખ કરતા વધુની આવક હતી, જોકે પોતાની ગાડી હોવા છતાંય કુટુંબના લોકો સાથે મોજ કરવા માટે ટેમ્પો લઈને નીકળ્યા હતા. આ પરિવાર દર્શન કરે તે પહેલા તેમના મોતના સમાચાર સોસાયટીના લોકોને મળતા પાડોસીઓમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો. પરિવાર સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા હતા અને આ સોસાયટીમાં એક જ સમાજના અને મૉટે ભાગે એક જ ગામના લોકો રહેતા હોવાથી પાડોશીઓ પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે એક જ પરિવારના પાંચ લોકોમાં દયાબેન બટુકભાઈ જીંજાલા, ભૌતિક ખોડાભાઈ, આરતી ખોડાભાઈ, હંસા ખોડાભાઈ, સુરેશ જેઠાભાઈ જીંજાલાનો સમાવેશ થાય છે. જ્યારે મરનાર વ્યક્તિઓમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળક સામેલ છે.