કેતન પટેલ, બારડોલી: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ખુબ વધારો થઈ રહ્યો છે. રોજે-રોજ માર્ગ અકસ્માતમાં લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. જોકે, આજે, કામરેજ તાલુકામાં એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે. જે તપાસનો વિષય બની ગઈ છે. આ ઘટનામાં એક કાર સળગી ગઈ છે, તેમાં એક વ્યક્તિ ભડથુ થઈ ગયો છે. હવે આ અકસ્માત છે કે ક્રાઈમ એ તપાસનો વિષયબની ગયો છે.
વિગતે ઘટનાની વત કરીએ તો, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાં મંગળવારના રોજ રોડની બાજુમાંથી સળગેલી હાલતમાં એક ક્રેટા કાર મળી આવી હતી. તપાસ કરતા અંદર કાર ચાલક પણ સંપૂર્ણ ભડથું થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. કારનો પાર્સિંગ નંબર જી.જે.05 સી.આર. 7729 હોવાનું સામે આવ્યું છે. FSLની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી નમૂના લઈ તપાસ હાથ ધરી છે.
આગમાં આકસ્મિક રીતે આગ લાગી કે પછી કોઈએ આગ લગાવી તે અંગે હાલ પોલીસ પણ અસમંજસમાં છે. સમગ્ર હકીકત FSL રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકશે. આ મામલે સૌપ્રથમ પોલીસે કાર કોના નામે રજિસ્ટર છે તે બાજુ તપાસ હાથ ધરી હતી. જેમાં આરટીઓની એપ્લીકેશનમાં પ્રાથમિક રીતે આ કાર રમેશભાઈ દુધાત નામના વ્યક્તિની હોવાનું જાણવા મળી રહ્યું છે.