કિર્તેશ પટેલ, સુરત: રામનવમીના પવિત્ર પર્વે ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ભાવનગરના ચૌહાણ પરિવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના વ્હાલસોયા ૩૦ વર્ષીય યુવાન પુત્ર સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ લીવર અને બે કિડનીનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ખાતે રહેતા (મૂળ. પીપરાળી, તા.ઉમરાળા જિ. ભાવનગર) ૩૦ વર્ષીય યુવાન સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ મહાદેવ કાર્ટીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરીને આજીવિકા રળતા હતા. ગત તા.૨૭મીના રોજ રાત્રિના સમયે કીમ નજીક અણીતા, આર્યન સ્કૂલ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા ડિવાઈડર સાથે અથડાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા કિમની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.