સુરત: અસલીના નામે નકલી (Fake products) વસ્તુ પધરાવી દેવાની જાણે કે ફેશન ચાલી છે. અનેક કિસ્સામાં તો અસલી વસ્તુના પૈસા આપવા છતાં નકલી વસ્તુઓ પધરાવી દેવામાં આવે છે. ઘણી વખત દૈનિક વપરાશની વસ્તુઓની નકલ કરીને લોકોને પધરાવી દેવામાં આવે છે. શેમ્પૂ (Shampoo) આવી જ એક વસ્તુ છે. હકીકતમાં સુરતમાં પોલીસે અસલીના નામ ડુપ્લિકેટ વસ્તુઓ પધરાવી દેતા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી નકલી શેમ્પૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી કુલ 36 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે ધરપકડ કરવામાં આવેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમી બાદ પોલીસનો દરોડો : હકીકતમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (Hindustan unilever ltd)ના કંપનીના કોઈ કર્મચારીએ પોલીસને આ અંગેની બાતમી મળી હતી. કંપનીએ પોલીસને અરજી આપી હતી કે, કોઈ તેમની કંપનીના નામે નકલી શેમ્પૂ (duplicate shampoo) બનાવીને બજારમાં વેચી રહ્યું છે. બાતમી બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે કોસાડ આવસમાં દરોડો કર્યો હતો. દરોડો દરમિયાન પોલીસને અસલીના નામ નકલી વસ્તુઓ બની રહ્યાની માહિતી મળી હતી.
અલગ અલગ બ્રાન્ડના શેમ્પૂ મળી આવ્યા : પોલીસ તપાસ દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવર કંપનીના ડવ, ટ્રેસની, ક્લિનિક પ્લસ સહિતની બ્રાન્ડના શેમ્પૂનો નકલી જથ્થો મળી આવ્યો હતો. હકીકતમાં આ લોકો હિન્દુસ્તાન યુનિલિવરની કંપનીની વિવિધ બ્રાન્ડની ખાલી બોટલોમાં નકલી શેમ્યૂ ભરીને વેચતા હતા. પોલીસે દરોડા દરમિયાન ચાર લોકોની ધરપકડ કરી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે ખાલી બોટલો સહિત કુલ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.