સોમવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ પણ 2 દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે કે અહીં 7-7 ઈંચ વરસાદ ખાબકી શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ સતત આગળ વધી છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં કેન્દ્રીત થયું છે. આ તરફ કચ્છ સરહદે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. એ જ કારણ છે કે રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે હજુ બે દિવસ ગુજરાતને ધમરોળશે. રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અને હજુ પણ અવિરત હેલી યથાવત છે. પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારા વરસાદથી ગુજરાતના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક છે.
આજે અમદાવાદમાં બપોરે મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારોના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. શહેરના વસ્ત્રાપુર, સાઉથ બોપલ, પ્રહલાદ નગર, એસજી હાઈવે, જીવરાજ, વેજલપુર, વાસણામાં ભારે વરસાદ વરસ્યો હતો. જોકે શહેરીજનો વરસાદની મજા માણે એ પહેલાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. હંમેશાના જેમ વેજલપુર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શિવરંજની બ્રિજ નજીક પણ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા.
અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. અરવલ્લીમાં મેઘરજ, મોડાસા, ધનસુરા સહિત સમગ્ર પંથકમાં રવિવાર રાતથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. મેઘરજમાં 24 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઉભી થઈ છે.. સારા વરસાદથી વિસ્તારના ખેતરો પાણીથી તરબોળ થયા છે. જોકે, પાણી વધારે સમય ભરાઈ રહેશે તો ખેડૂતોએ નુકસાની વેઠવી પડી છે.
કચ્છના મુખ્ય મથક ભુજમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભુજ શહેર ઉપરાંત માધાપર, મીરજાપર, ભુજોડી સહિત આસપાસના વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી હતી. સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. દિવસભર મેઘરાજા રોકાઈ રોકાઈને અમી છાંટણા કરતા સુરેન્દ્રનગર, જોરાવરનગર રતનપર સહીતના વિસ્તારના ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી.
સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. લોકમાતા નર્મદાનું જળ સ્તર વધતાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના 26 ગામોને એલર્ટ કરાયાં છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટર પહોંચી ગઇ છે. સરદાર સરોવર ડેમની કુલ જળસપાટી 138.68 મીટર છે. મતલબ કે સારો વરસાદ રહેશે તો દરવાજા લાગ્યા બાદ પહેલીવાર ડેમ છલોછલ ભરાશે અને ઈતિહાસ રચાશે.