આ મહિલા 46 વર્ષની ઉંમરે પણ ભલભલા યુવાનોને શરમાવે એવી ફિટનેસ ધરાવે છે. આ મહિલાનું નામ છે ડોક્ટર હેતલબેન તમાકુવાલા. વ્યવસાયે ડેન્ટિસ્ટ તરીકે તેઓ સુરતમાં ક્લિનિક ચલાવે છે, પરંતુ સાથે સાથે પોતાની ફિટનેસ ઉપર ધ્યાન રાખવા માટે તેમણે રનિંગથી શરૂઆત કરી હતી. ડોક્ટર હેતલ તમાકુવાલાને રનિંગ કરતા ફ્રેક્ચર થયું ત્યારે તેમનું મન થોડું બદલાયું અને તેઓ સ્વિમિંગ પ્રત્યે વળ્યા હતા. સાયકલ તો પહેલાથી તેમને આવડતી જ હતી પરંતુ એમાં પણ થોડી ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેમણે સાઈકલની ટ્રેનિંગ પણ શરૂ કરી હતી. ધીમે-ધીમે ટ્રાયથ્લોનમાં રમાતી ત્રણેય રમતોમાં તેમણે મહારત હાસલ કરી હતી. પરંતુ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવું અને દરિયાના ઉછળતા મોજા વચ્ચે સ્વિમિંગ કરવું મુશ્કેલ હતું. તેથી ડોક્ટર હેતલે તાપી નદીમાં સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું હતું અને એમાં પણ મહારત મેળવી હતી.
પરિવારના સભ્યોનો પણ પૂરતો સહયોગ તેમને મળ્યો હતો. તેમણે ભારતમાં ટ્રાયથ્લોનની નાની-નાની ઇવેન્ટોમાં ભાગ લેવાની શરુ કર્યું હતું. લક્ષ્ય ઊંચું હોવાને કારણે નાની ઇવેન્ટોથી થયેલી શરૂઆત તેમને મલેશિયામાં યોજાયેલી ટ્રાયથલોન સ્પર્ધા સુધી દોરી ગઈ હતી. આ સ્પર્ધામાં તેમણે 10મો ક્રમાંક મેળવ્યો, પરંતુ એક મહિલા તરીકે જોવા જઈએ તો તેઓ પ્રથમ હતા.
જ્યારે આ ઇવેન્ટની શરૂઆત કરવામાં આવી ત્યારે તેઓ નાની-નાની ઇવેન્ટમાં ભાગ લેતા હતા, પરંતુ મલેશિયામાં જે ઇવેન્ટ યોજાઇ હતી એમાં 16 કલાકમાં દરિયામાં 3.8 કિ.મી.નું સ્વિમિંગ કરવું, 180 કિલોમીટર સાયકલિંગ કરવી અને 42 કિલોમીટર રનિંગ પૂર્ણ કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. આ ટાસ્કને સફળતાથી પાર કરવા માટે ડોક્ટર હેતલે તનતોડ મહેનત કરી હતી. મહેનતના પરિણામે આ ત્રણેય ટાસ્ક તેમણે 15 કલાક અને 40 મિનિટમાં સફળતાપૂર્વક પાર કર્યા હતા. હેતલ તમાકુવાલા આ પ્રકારની સિદ્ધિ મેળવનાર સુરતના બીજા મહિલા તબીબ છે. ડોક્ટર તમાકુવાલાએ આ ઇવેન્ટમાં રાષ્ટ્રીય સ્તરે દસમો ક્રમાંક મેળવ્યો છે અને આ ક્રમાંક સાથે તેમણે સુરત ગુજરાત અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.