ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લઈને દેવતાઓનું ભલું કર્યું હતું અને વિષ્ણુ ભગવાનનો મોહિની અવતાર સમુદ્રમંથન જોડે સંકળાયેલો છે. ત્યારે વારાણસીમાં સ્થિત ભગવાન વિષ્ણુની મોહિની સ્વરૂપની મૂર્તિ સિવાય એવી જ મૂર્તિ સુરતના અશ્વિનીકુમાર ખાતે આવેલા ગોપાલ સુંદરી મંદિરમાં છે. આ મૂર્તિ 150 વર્ષ જૂની છે. તેમ છતાં તેના તે જ સ્વરૂપે મૂર્તિ આજે પણ હયાત છે.
ગોપાલસુંદરી મઠની આ મૂર્તિ અત્યંત રળિયામણી છે. આ મૂર્તિની કસોટી નામના અત્યંત કિંમતી કાળા કલરના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ પથ્થર ખાસ કરીને સૌનું પારખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સોના સહિતની અલગ અલગ ધાતુને ચકાસવા માટે આ પથ્થર પર ઘસવામાં આવે છે. એટલું જ નહીં ગ્રામીણ વિભાગમાં જ્યારે કોઈને સાપ કરડે ત્યારે પણ કસોટી પથ્થર ઘસીને સાફના ઝેરનું મારણ કરવામાં આવે છે.
વિષ્ણુ ભગવાનના આ રૂપ પાછળની ધાર્મિક કથા પ્રમાણે , પરાપૂર્વથી ચાલતી આવતી ધાર્મિક કથા અનુસાર ,સમુદ્ર મંથન વખતે ચૌદમું રત્ન અમૃતને લઈને જ્યારે ધનવંતરી સમુદ્ર બહાર નીકળે છે ત્યારે દૈત્યો તેમના હાથમાંથી કળશ ઝૂંટવી લે છે અને તે પરિસ્થિતિમાં વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કરી ભૂલમાં નાખી અમૃતનો કળશ લઈ લે છે. દેવોને અમૃતનું પાન કરાવતા હોય એ સમયે વિષ્ણુ ભગવાન દ્વારા કરવામાં આવેલી ચાલાકીની રાહુ કેતુને ખબર પડી જાય છે અને તેઓ છલ દ્વારા દેવોની હરોળમાં બેસી જાય છે .
ભગવાન વિષ્ણુને આ બાબતની જાણ થતાં જ તેઓ સુદર્શન ચક્ર વડે રાહુ અને કેતુનો શિરચ્છેદ કરી નાંખે છે. પરંતુ તેમના અડધા શરીરમાં અમૃત પહોંચવાને કારણે તેઓ અર્ધમાનવ અને અર્ધસર્પ તરીકે છે.અમૃતના કળશની રસાકસીમાં અમૃતના થોડાંક ટીપા ઉજ્જૈન, નાસિક, પ્રયાગ અને હરિદ્વારમાં પડ્યા હોવાને કારણે કુંભ મેળામાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. શાસ્ત્રીય નૃત્ય મોહિનીઅટ્ટમ આજ મોહિની સ્વરૂપ પર આધારિત છે.