પીવી સિંધૂ માટે આ વર્ષ ખાસ રહ્યું હતું. તે ભલે ઘણી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને જીત ન મેળવી શકી હોય પણ વર્ષના અંતમાં તેની ઐતિહાસિક જીતે બધી હાર ભુલાવી દીધી હતી. સિંધૂ બીડબલ્યુએફ ફાઇનલ્સનું ટાઇટલ મેળવનાર ભારતની પ્રથમ ખેલાડી બની હતી. આ સિવાય બેડમિન્ટનમાં એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની હતી.
એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે 4x400 મી. રિલે દોડમાં ગોલ્ડ જીત્યો હતો. આ ટીમમાં ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડ પણ હતી. સરિતા ઉપરાંત તેની ટીમમાં હિમા દાસ, પૂવમ્મા રાજુ અને વિસમાયા વેલુવાકોરોથ પણ હતી. ભારતીય મહિલાઓની ટીમે 3 મિનિટ 28.72 સેકન્ડમાં 4x400મી.ની રિલે દોડ પૂરી કરીને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે જ તેમણે ગોલ્ડ પોતાને નામ કર્યો હતો.