વર્ષ 2018 સમાપ્ત થવાને આડે હવે થોડા દિવસો બચ્યા છે. 2018માં ઘણા દિગ્ગજ ક્રિકેટર્સે પોતાની કિટ બેગ હંમેશા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પેક કરી દીધી હતી. વર્ષોથી પોતાની શાનદાર રમતના કારણે દમદબો બનાવનાર આ દિગ્ગજ ક્રિકેટરો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવા મળશે નહીં. જોકે તેમાંથી કેટલાક ક્રિકેટર્સે દુનિયાભરમાં રમાનાર પ્રોફેશનલ ટી-20 લીગમાં રમતા જોવા મળશે. જોઈએ આ વર્ષે આ દિગ્ગજ ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.
એલિસ્ટર કૂક - ઇંગ્લેન્ડનો પૂર્વ સુકાની એલિસ્ટર કૂકે લાંબા સમયથી ફક્ત ટેસ્ટ ક્રિકેટ જ રમતો હતો. પણ આ વર્ષે તેનું ફોર્મ ખાસ રહ્યું ન હતું. વર્ષ પુરુ થતા-થતા કૂકે સપ્ટેમ્બરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર ભારત સામે પોતાની અંતિમ ટેસ્ટ યાદગાર બનાવી દીધી હતી. આ ટેસ્ટમાં તેણે 147 રનની ઇનિંગ્સ રમી હતી. તે પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર દુનિયાનો પાંચમો બેટ્સમેન બન્યો હતો.
ગૌતમ ગંભીર - ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ બેટ્સમેન કારકિર્દીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2016માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો. આ પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં વાપસી કરી શક્યો ન હતો. 37 વર્ષના ગંભીરે થોડા દિવસો પહેલા જ બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તે ઘરેલું અથવા ટી-20 લીગ ક્રિકેટમાં પણ રમશે નહીં. ગંભીરે 58 ટેસ્ટમાં 4154, 147 વન-ડેમાં 5238 રન બનાવ્યા છે. તે ભારતની બે વખત વર્લ્ડ કપ વિજેતા (ટી-20 વર્લ્ડ કપ 2007, વન-ડે વર્લ્ડ કપ 2011) ટીમનો સભ્ય રહ્યો છે.
એબી ડી વિલિયર્સ - દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ બેટ્સમેને મે મહિનામાં ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. મિસ્ટર 360 ડિગ્રીથી પ્રખ્યાત ડી વિલિયર્સની ગણના સૌથી ફિટ ખેલાડીઓમાં થતી હતી. કોઈએ કલ્પના પણ કરી નહીં હોય તે ડી વિલિયર્સ 2019ના વર્લ્ડ કપ પહેલા આમ અચાનક નિવૃત્તિ જાહેર કરી દેશે. પોતાની 14 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં ડી વિલિયર્સે 114 ટેસ્ટમાં 8765, 220 વન-ડેમાં 9577 રન અને 78 ટી-20માં 1672 રન બનાવ્યા છે.
મોર્ની મોર્કેલ - દક્ષિણ આફ્રિતાના ફાસ્ટ બોલર મોર્ની મોર્કેલે આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ શ્રેણી ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. આ શ્રેણી પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. પોતાના પરિવારને સમય ફાળવવા માટે નિવૃત્તિ લીધી હોવાનું મોર્કેલ કહ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં મોર્કેલ કુલ 86 ટેસ્ટ (309 વિકેટ), 117 વન-ડે (188 વિકેટ) અને 44 ટી-20 (47 વિકેટ) રમ્યો છે.
ડ્વેન બ્રાવો - આ વર્ષે ઓક્ટોબરમાં ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ડી વિલિયર્સની જેમ તે પણ દુનિયાભરની ફ્રેન્ચાઇઝી ટી-20 ક્રિકેટમાં રમતો જોવા મળશે. 35 વર્ષીય બ્રાવો લગભગ 14 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો હતો. બ્રાવો વેસ્ટ ઇન્ડીઝ તરફથી 40 ટેસ્ટ, 164 વન-ડે અને 66 ટી-20 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમ્યો છે. બ્રાવો 2016માં વર્લ્ડ ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો સભ્ય રહ્યો હતો.