

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) એક મોટો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ રોહિત શર્માને (Rohit Sharma)ચેતેશ્વર પૂજારાના સ્થાને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border Gavaskar Trophy)બાકી બચેલી બે ટેસ્ટમાં વાઇસ કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા ભારતની વન-ડે અને ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લિવ પર ભારત ફરત ફર્યા પછી બીજી ટેસ્ટમાં અજિંક્ય રહાણેને ટીમનો કાર્યવાહક કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે ચેતેશ્વર પૂજારાને (Cheteshwar Pujara)વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.


આ કારણે રોહિત શર્માને બનાવ્યો વાઇસ કેપ્ટન - રોહિત શર્માએ નિયમિત ઓપનર બેટ્સમેન તરીકે ફક્ત પાંચ ટેસ્ટ મેચ રમ્યો છે અને નવેમ્બર 2019થી ટેસ્ટ ક્રિકેટ પણ રમ્યો નથી. આમ છતા રોહિત શર્માને મોટી જવાબદારી આપવામાં આવી છે. પીટીઆઈના એક રિપોર્ટ પ્રમાણે ટીમ મેનેજમેન્ટે પહેલા જ નિર્ણય કરી લીધો હતો કે જો રોહિત ફીટ થઈને ટીમ સાથે જોડાશે તો તે વાઇસ કેપ્ટન રહેશે.


આ મામલા સાથે જોડાયેલા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે વિરાટની ગેરહાજરીમાં રહાણેના કેપ્ટન બન્યા પછી ભારતીય ટીમને વાઇસ કેપ્ટનને લઈને કોઈ સંદેહ ન હતો. આ હંમેશા રોહિત જ હતો અને પૂજારાને આ જવાબદારી ત્યાં સુધી સોંપવામાં આવી હતી જ્યાં સુધી રોહિત ટીમ સાથે જોડાયો ન હતો. અધિકારીએ કહ્યું કે રોહિત લાંબા સમયથી સીમિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન છે. આવામાં વિરાટની ગેરહાજરીમાં તે ટીમના નેતૃત્વ સમૂહનો ભાગ હશે.