હર્ષલ પટેલની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા હતી અને તેમની હરાજી શરૂ થતાની સાથે જ બોલી આઠ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. અંતે હર્ષલ પટેલ પર અંતિમ બોલી આરસીબીએ લગાવી હતી. હર્ષલ પટેલે ગત વર્ષે આઈપીએલમાં સૌથી વધુ 32 વિકેટ લઈને આઈપીએલના રેકૉર્ડની સરસાઈ કરી હતી. આ પર્ફૉર્મેન્સ બાદ તેમને 31 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.
આઈપીએલની પ્રથમ દિવસની હરાજીમાં હર્ષલ પટેલ આરસીબીએ ખરીદેલા ખેલાડીઓમાં શ્રીલંકાનો વાનિન્ડુ હસરંગા સાથે સૌથી વધુ મોંઘો ખેલાડી બન્યો. હર્ષલ પટેલ અમદાવાદનાં દરિયાપુર વિસ્તારનો રહેવાસી. અમદાવાદમાં દરિયાપુર વિસ્તાર એટલે એક જમાનામાં તોફાની વિસ્તારની છાપ ધરાવે. એવો પણ સમય હતો જ્યારે શહેરમાં કંઈક પણ નાનું-મોટું છમકલું થાય એટલે સૌપ્રથમ કર્ફ્યુ જાહેર થાય, તો તેમાં ખાડિયા અને દરિયાપુરનાં નામ હોય.
અમદાવાદમાં રહેતા હર્ષલે તેનું ક્રિકેટનું સપનું પૂર્ણ કરવા માટે, 'અમેરિકન ડ્રીમ્સ'ને તિલાંજલિ આપી દીધી હતી. ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાંક સમયથી આ નામ ચર્ચામાં આવ્યું છે. ચાહે તે આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) હોય કે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય. તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ પણ થયા અને નવેમ્બર 2021 માં ન્યૂઝીલૅન્ડ સામે ટી-20 મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા. ન્યૂઝીલૅન્ડ સામે ભારતીય ટીમ માટે રમેલી બે ટી-20 મૅચમાં તેમણે 7.28ની સરેરાશ પર ચાર વિકેટ લીધી હતી.
1990માં જન્મેલા હર્ષલ પટેલ બાળપણથી જ અમદાવાદમાં સ્થાનિક ક્રિકેટ રમ્યો અને ત્યાર બાદ ગુજરાતની ટીમ માટે અંડર-15થી અંડર-19માં રમ્યો. તે ભારતની અંડર-19 ટીમ સાથે સાઉથ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ અને કેન્યાનો પ્રવાસ ખેડી ચૂક્યા હતા. હર્ષલ પટેલ નવેમ્બર 2021 માં ન્યૂઝીલૅન્ડ સામે ટી-20 મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.
2011 સુધી ગુજરાત માટે જુનિયર ક્રિકેટમાં રમ્યા બાદ હર્ષલનું ભાવિ પલટાયું- જેમણે પરિવાર સાથે અમેરિકા જવાનું ટાળ્યું હતું, તેણે અચાનક જ નિર્ણય લીધો અને વતન ગુજરાત છોડીને હરિયાણા માટે રમવાનું પસંદ કર્યું. 2011માં તે હરિયાણા માટે રમવા ગયો. હર્ષલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, એ સમયે સંજોગો એવા હતા કે મને લાગ્યું કે ટીમ બદલવાથી કદાચ સિનિયર ક્રિકેટમાં ઝડપથી સ્થાન મળી જશે. અને, એમ જ બન્યું. નવેમ્બર 2011માં તે હરિયાણા વતી દિલ્હી સામે રણજી ટ્રૉફી રમ્યા. એ જ સીઝનમાં કર્ણાટક સામેની બેંગલુરુ ખાતેની મૅચ હર્ષલની કારકિર્દીની ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ, કેમ કે પહેલા જ દિવસે તેણે આઠ વિકેટ ખેરવીને કર્ણાટકને માત્ર 151 રનમાં આઉટ કરી દીધું.