દિલ્હી: એમએસ ધોનીએ ટીમ ઈન્ડીયાને ઘણી મહત્વની સિરીઝમાં જીત અપાવી છે. તેની કેપ્ટનશિપના કારણે ભારત ક્રિકેટ વર્લ્ડકપ જીતી લાવ્યું હતું. તેની નિર્ણયશકિત આજે પણ લોકો ભૂલી શકતા નથી. તે કેપ્ટનકુલ તરીકે ઓળખાય છે. તેની બેટિંગ અને કીપિંગના કારણે ભારત ઘણી મેચ જીત્યું હતું. એક સમયના કેપ્ટન એમ એમ ધોની અત્યારે તો નિવૃત્ત છે પણ આઈપીએલમાં રમી રહ્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે ધોનીના ગુસ્સાને લઈને મોટો ખુલાસો કર્યો છે.
આર શ્રીધરે પોતાના પુસ્તક કોચિંગ બિયોન્ડમાં ખુલાસો કર્યો છે કે, એમએસ ધોની 2014માં વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે શ્રેણી દરમિયાન ખરાબ ફિલ્ડિંગથી ખૂબ જ ગુસ્સે હતો. આ મામલો દિલ્હીમાં બીજી વનડે મેચ રમાઇ હતી ત્યારનો છે. ભારતીય ટીમ શ્રેણીમાં 0-1થી પાછળ હતી. ધોનીએ 51 રન બનાવી ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક સમયે 2 વિકેટે 170 રન હતો. પરંતુ તેણે પછીની 8 વિકેટ માત્ર 45 રનમાં ગુમાવી દીધી હતી.
એમએસ ધોનીએ મેચ બાદ કહ્યું હતું કે, "મને લાગે છે કે અમે મેચમાં ઘણું ચૂકી ગયા. આપણે આપણાં સ્ટાન્ડર્ડ વધારવાં પડશે. અમે અમારી ક્ષમતા પ્રમાણે રમ્યા ન હતા. આ અમારા માટે આંખ ઉઘાડનાર છે. અમે મેચ જીતવામાં સફળ રહ્યા, પરંતુ અમે હારી ગયા હોત. શ્રીધરે પોતાના પુસ્તકમાં આગળ લખ્યું છે કે ધોની આ પછી ડ્રેસિંગમાં ઘણો ગુસ્સે ભરાયો હતો અને તેણે કહ્યું હતુ કે, જો કોઈ પણ ખેલાડી ફિલ્ડિંગ અને ફિટનેસના માપદંડો પર ખરા ઉતરશે નહીં તો તે વર્લ્ડ કપમાં રમી શકશે નહીં, પછી તે ગમે તે હોય.