

નવી દિલ્હી : ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2020) સ્થગિત થાય તે નિશ્ચિત બની ગયું છે અને આ સપ્તાહે જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020નું આયોજન થશે અને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી રમશે.


મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020નું (IPL 2020) આયોજન ટી-20 વર્લ્ડ કપનું સ્થાન લેશે. આઈસીસી આ સપ્તાહે ટી-20 વર્લ્ડ કપ 2020 સ્થગિત થવાની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાનો હતો. ઓસ્ટ્રેલિયામાં એક સ્થાનેથી બીજા સ્થાને જવું હાલ સંભવ નથી. આ કારણે ટી-20 વર્લ્ડ કપનું આયોજન સ્થગિત થવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.


ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિર્ણય કર્યો છે કે તે પોતાના ખેલાડીઓને આઈપીએલ રમવાની મંજૂરી આપશે પણ આ પહેલા તે ઇંગ્લેન્ડમાં વન-ડે અને ટી-20 શ્રેણી રમશે. આ પછી આઈપીએલ એશિયા કે દુબઈ ક્યાંય પણ યોજાય ત્યાં જઈ શકશે.


ઓસ્ટ્રેલિયન અખબાર ધ ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામે ટી-20 અને વન-ડે શ્રેણી રમવા માટે તૈયારી કરવા માટે કહી દેવામાં આવ્યું છે. અખબારના રિપોર્ટ પ્રમાણે આ સપ્તાહે ટી-20 વર્લ્ડ કપ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે રમાનાર શ્રેણી માટે તૈયારી કરી રહી છે. અખબારે કહ્યું કે સપ્ટેમ્બરને ધ્યાનમાં રાખીને થનાર પ્રેક્ટિસથી મોટો સંકેત મળે છે કે એરોન ફિન્ચની આગેવાનીમાં ટીમ જૈવિક રૂપથી સુરક્ષિત વાતાવરણમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે.