

નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની (Sushant Singh Rajput)આત્મહત્યા મામલે રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande)સામે આવીને ઘણા ખુલાસા કર્યા છે. અંકિતાએ ખુલાસો કર્યો કે સુશાંત હંમેશા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)જેવો બનવો માંગતો હતો. તમને જણાવી દઈએ કે સુશાંતે ધોનીની બાયોપિકમાં ધોનીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ ઘણી હિટ રહી હતી


અંકિતાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને આશ્ચર્ચ થાય છે જ્યારે કોઇ સુશાંતને ડિપ્રેસ્ડ કહે છે. હું માની નથી શકતી કે સુશાંત ડિપ્રેશનમાં હતો. સુશાંતની સાથે કામ કરી ચુકેલી અંકિતાએ કહ્યું હતું કે આજે લોકો તેના વિશે અલગ-અલગ પ્રકારની વાત કરે છે. તેને ડિપ્રેસ્ડ બતાવે છે પણ તે બની શકે નહીં. સાચું એ છે કે તે હંમેશા મને કહેતો હતો કે સક્સેસ અને ફેલિયર વચ્ચે એક લાઇન હોય છે, તે જ લાઇન મહેન્દ્રસિંહ ધોની ફોલો કરે છે. હું તેના જેવો બનવા માંગું છું. પછી તે કોઇપણ મોટી સફળતા હોય કે કોઈપણ મોટી અસફળતા, તે એક જેવો રહે છે. સુશાંત બોલતો હતો કે હું તેવો જ બનવા માંગું છું.


ચાર વર્ષ સુધી સુશાંત સાથે રહેલી અંકિતાએ કહ્યું હતું કે સુશાંત માટે પૈસા મહત્વના ન હતા તેનું ઝનૂન મહત્વનું હતું. સુશાંત હંમેશા મને કહેતો હતો કે જો બધું ખતમ થઈ જાય તો પણ હું ફરીથી પોતાનું એમ્પાયર ઉભું કરી લઈશ. જો કામ નહીં મળે તો શોર્ટ ફિલ્મ બનાવીશ. જીવન માટે તેને પેશન હતું.


સુશાંતસિંહ રાજપૂતે ધોનીની બાયોપિકમાં તેનો રોલ ભજવ્યો હતો. તેણે સિલ્વર સ્ક્રીન પર એવી રીતે રજુ કર્યો હતો કે ધોની અને તેનામાં અંતર કરવું મુશ્કેલ બન્યું હતું. આ ફિલ્મ માટે સુશાંતસિંહ રાજપૂતે ઘણી મહેનત કરી હતી. ધોનીના હાવ ભાવ શીખ્યો, તેની બેટિંગની સ્ટાઇલ શીખ્યો, મેદાનમાં એન્ટ્રી હોય કે ક્રીઝ પર ઉભા રહેવાની સ્ટાઇલ, તેના બોલવાનો અંદાજ પણ ધોની જેવો હતો.