આઈપીએલ સુપરહિટ છે. તેની અગિયારમાં સિઝન માટે ક્રિકેટરોની હરાજી થવાની છે. આ માટે કરોડો રુપિયાની બોલી લાગશે. જોકે તમને ખબર છે જે ટી-20 ફોર્મેટમાં આઈપીએલ સુપરહિટ સાબિત થઈ છે. તે એક માર્કેટિંગ મેનેજરના મગજની ઉપજ છે.આ માર્કેટિંગ મેનેજર ઇંગ્લિશ ક્રિકેટ કાઉન્ટીમાં કામ કરતો હતો. જ્યારે તેણે આ યોજના બનાવી તો પ્રથમ વખત પસ્તી સમજીને કચરામાં ફેકી દીધી હતી. હવે આ જ ફોર્મેટ પર આઈપીએલ સુપરહિટ સાબિત થઈ છે.
આ મેનેજરનુ નામ સ્ટુઅર્ટ રોબર્ટસન છે. આ કામ તેણે ત્યારે કર્યું જ્યારે ઇંગ્લેન્ડમાં ક્રિકેટની હાલત ખરાબ હતી. દર્શકોની સંખ્યા ઓછી થઈ રહી હતી. બોર્ડની આવક ઘટી રહી હતી. ત્યારે રોબર્ટસન ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડનો માર્કેટિંગ મેનેજર હતો. ઇંગ્લેન્ડ બોર્ડે દર્શકોને ખેંચી લાવવા માટે નવી યોજના બનાવવા કહ્યું હતું. આ પછી રોબર્ટસને લોકોને પુછવાનું શરુ કર્યુ હતું કે તે કેવી ક્રિકેટ મેચ જોવા માંગે છે. બધા માનતા હતા કે કાઉન્ટી ક્રિકેટ મેચ બોરિંગ છે. લોકો પાસે વધારે સમય નથી. આ આધારે રોબર્ટસને રિપોર્ટ તૈયાર કર્યો હતો કે લોકો કેવી ક્રિકેટ પસંદ કરશે.
પહેલા થયો હતો વિરોધ - ઘણું રિસર્ચ અને વિચારીને તેણે ઇંગ્લેન્ડ ક્રિકેટ એન્ડ કાઉન્ટી બોર્ડ સામે ટી-20 ફોર્મેટ રજુ કર્યું હતું. કાઉન્ટી ક્રિકેટના આકાઓએ તેનો અમલ કરવાની ના પાડી દીધી હતી. ઇંગ્લેન્ડના સીનિયર ક્રિકેટરો પણ નારાજ થયા હતા. ક્રિકેટરોએ ધમકી આપી હતી કે તે કોઈપણ ભોગે આ ખરાબ ક્રિકેટના ફોર્મેટમાં રમશે નહીં. કાઉન્ટી ક્લબના પ્રમુખોએ કહ્યું હતું કે આ થઈ જ ના શકે. તે ઇચ્છતા ન હતા કે ક્રિકેટના ફોર્મેટમાં પરિવર્તન આવે. જોકે આમ છતા ટી-20ની મેચો શરુ થઈ હતી.