પાકિસ્તાનનો બેટ્સમેન ઇમામ ઉલ હક વિવાદમાં ફસાયો છે. તેના પર એકથી વધારે છોકરીઓ સાથે લફરાં કરવાનો તેમજ વિશ્વાસઘાત કરવાનો આરોપ લાગ્યો છે. છોકરીઓ સાતે તેની કથિત ચેટિંગના સ્કિનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, એક ટ્વિટર યૂઝરે વોટ્સએપ ચેટિંગને લીક કરી દીધી છે અને તેના પર છોકરીનો ગેરફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. ઇમામની કથિત વોટ્સએપ ચેટિંગના જે સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યા છે તેમાં ચાર છોકરીઓ સાથેની વાતચીત સામેલ છે. ન્યૂઝ18 ગુજરાતી આ સ્ક્રિનશોટની સત્યતા અંગે કોઈ પુષ્ટિ નથી કરતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ સંદર્ભે કોઈ જ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
સ્ક્રિનશોટ પોસ્ટ કરનાર વ્યક્તિનું કહેવું છે કે ઇમામે છોકરીઓને ફસાવી હતી. યૂઝરે એવો પણ દાવો કર્યો કે તેની પાસે હજી વધારે સ્ક્રિનશોટ અને વીડિયો છે. છોકરીઓ કહેશે તો તે આ તસવીરો અને વીડિયો જાહેર કરશે. ઇમામ પર એક સાથે આઠ છોકરીઓ સાથે અફેર રાખવાનો આરોપ લાગ્યો છે. બાદમાં લગ્ન કરવાના વચનમાંથી ફરી જવાનો પણ આક્ષેપ લાગ્યો છે.
ઇમામ ઉલ હક પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકનો ભત્રીજો છે. પાકિસ્તાનની ટીમમાં તેની પસંદગીને લઈને પણ વિવાદ થયો હતો. એવો આરોપ લાગ્યો હતો કે ઇન્ઝમામને કારણે તેની પસંદગી કરવામાં આવી હતી. ઇમામને જે સમયે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો ત્યારે ઇન્ઝમામ મુખ્ય પસંદગીકાર હતો. જોકે, ઇમામે રમત દરમિયાન તેના પર લાગેલા પરિવારવાદના આક્ષેપો ધોઈ નાખ્યા હતા. ઇમામે 36 વન ડેમાં સાત સદી ફટકારી છે.
ઇમામે ઓક્ટોબર 2017માં વન ડે ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ઇમામે અત્યાર સુધી 1692 રન બનાવ્યા છે. તે 10 ટેસ્ટ મેચ પણ રમી ચુક્યો છે, પરંતુ તેમાં તેનું પ્રદર્શન કંગાળ રહ્યું છે. જેમાં તેણે 28.41ની સામાન્ય સરેરાશથી 483 રન બનાવ્યા છે, અને ફક્ત ત્રણ અડધી સદી ફટકારી છે. ટી 20માં તેણે ફક્ત એક મેચ રમી છે, જેમાં તેણે સાત રન બનાવ્યા છે.