

આઇપીએલની વર્તમાન સિઝનમાં પ્લેઓફની ટીમોનો નિર્ણય થઈ ગયો છે. મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ક્વોલિફાયર-1માં રમવાની તક મેળવી છે. આ જ વાત તેના ચેમ્પિયન બનવા તરફ ઇશારો કરે છે. તમને બતાવી દઈએ કે જ્યારે મુંબઈએ ક્વોલિફાયર-1માં સ્થાન બનાવ્યું છે ત્યારે-ત્યારે તે ચેમ્પિયન બની છે. આ ટ્રેન્ડ જારી રહેશે તો તેનું ચોથું ટાઇટલ નિશ્ચિત છે.


આ છે ખાસ કારણ - રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સે આ વખતે 14 લીગ મેચમાં 9 જીત સાથે 18 પોઇન્ટ મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જેથી તેની પાસે ફાઇનલમાં પહોંચવાની બે તક રહેશે. જો તે ચેન્નાઈને હરાવી દેશે તો સીધી ફાઇનલમાં સ્થાન બનાવશે. જો પરાજય થયો તો તેણે ક્વોલિફાયર-2માં ફરી પોતાનો દમ બતાવવો પડશે. જ્યારે તેનો મુકાબલો એલિમિનેટરના વિજેતા સામે થશે. અહીં જીત મેળવશે તો ફાઇનલમાં પહોંચશે.


2013માં બની હતી ચેમ્પિયન - મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ વખત 2013માં ક્વોલિફાયર-1માં રમી હતી. આ મેચમાં તેનો ચેન્નાઈ સામે પરાજય થયો હતો. જોકે બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલમાં ચેન્નાઈને 23 ને હરાવી મુંબઈ ચેમ્પિયન બન્યું હતું. મુંબઈ પાંચ વર્ષ પછી પ્રથમ આઈપીએલ ટાઇટલ જીતવા સફળ રહી હતી.


2015માં ફરી ચેમ્પિયન - મુંબઈનો ફરી એક વખત ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સામે મુકાબલો થયો હતો. આ વખતે તેણે 25 રને વિજય ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલમાં ચેન્નાઈ અને મુંબઈ ફરી ટકરાયા હતા. મુંબઈએ 202/5નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ચેન્નાઈ 161/8 રન બનાવી શક્યું હતું.


2017માં ચેમ્પિયન - 2017ની સિઝનમાં ફરી એક વખત રોહિત શર્માની ટીમને ક્વોલિફાયર-1માં રમવાની તક મળી હતી. આ મેચમાં પૂણે સુપરજાયન્ટ્સ સામે 20 રને પરાજય થયો હતો. બીજા ક્વોલિફાયર મુકાબલામાં કેકેઆરને 7 વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલમાં મુંબઈએ પૂણે સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો હતો.


શું ચોથી વખત બનશે ચેમ્પિયન? - આઈપીએલ-2019 શરુ થતા પહેલા મુંબઈ ઇન્ડિયન્સ ટાઇટલની દાવેદાર હતી. તેણે પ્લેઓફમાં સ્થાન બનાવી પોતાની તાકાત બતાવી દીધી છે. જો ક્વોલિફાયરનો સિલસિલો તેના માટે ફરી લકી સાબિત થયો તો તે ચોથી વખત ચેમ્પિયન બની જશે.